વડોદરા શહેરના રેલવે સ્ટેશન પાસે ઉછીના રૂપિયા ન આપતા એક શખસે યુવાનને ગળાના ભાગે ચપ્પુ મારી દીધું હતું. ઈજા પહોંચતા યુવાનને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવમાં પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના રેલવે સ્ટેશન પાછળ આવેલી પતરાની ચાલીમાં રહેતા શિવરાજસિંહ ભૈરવસિંહ ચૌહાણ (ઉં.વ.18)એ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું રાતના દસેક વાગ્યાના આસપાસ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર- 6 ખાતે આવેલી સમ્રાટ હોટલની સામે સર્કલ પાસે ઉભો હતો. તે વખતે અમારી નજીકમાં જ રહેતો છોટુ નામનો છોકરો મારી પાસે આવ્યો હતો. જેને મારી પાસે ઉછીના નાણા માંગ્યા હતા, પરંતુ મેં તેને રૂપિયા આપવાની ના પાડી દીધી હતી.
રૂપિયા ના આપતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને તે મને ગંદી ગાળો બોલવા લાગ્યો હતો. જેથી મેં તેને ગાળો બોલવાની ના પાડતા તેને મારું ગળું પકડી લીધું હતું અને કમરના ભાગે રાખેલું ચપ્પુ કાઢીને મારા ગળાના ભાગે મારી દીધું હતું. જેથી મને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને મને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.