વડોદરા સોનારકૂઇ પાસે કાર રોડ વચ્ચેના ડિવાઇડર પર ચડી ગઈ

છેલ્લા એક સપ્તાહમાં ડિવાઇડર ઉપર કાર ચડી જવાની આ 5મી ઘટના

MailVadodara.com - Near-Sonarkooi-Vadodara-the-car-went-over-the-road-divider

 વડોદરા નજીક ગોત્રીથી સિંધરોટ જવાના માર્ગ ઉપર આવતા સોનારકૂઇ ગામ પાસે રસ્તાની વચ્ચેના ડિવાઇડર ઉપર મોડી સાંજે વધુ એક કાર ચડી ગઈ હતી. છેલ્લા એક સપ્તાહમાં ડિવાઇડર ઉપર કાર ચડી જવાની આ 5મી ઘટના છે. સદભાગ્યે અત્યારસુધી બનેલી ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ, આવનાર દિવસોમાં ભયંકર અકસ્માત થવાની દહેશત સ્થાનિક લોકો સેવી રહ્યા છે.

મળેલી માહિતી પ્રમાણે શહેર નજીક ગોત્રી-સિંધરોટ રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી કામગીરી ચાલી રહી છે. ઉબડ-ખાબડ રસ્તો, રસ્તા વચ્ચે જૂના જોખમી ડિવાઈડર અને રોડ ઉપર સ્ટ્રીટ લાઈટોના અભાવના કારણે અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં 5 કાર ચાલકોએ પોતાની કાર રસ્તા વચ્ચેના ડિવાઇડર ઉપર ચડાવી દીધી હતી.


મોડી સાંજે વધુ એક કારચાલકે રસ્તા વચ્ચેનું જોખમી ડિવાઇડર ન દેખાતા કાર ડિવાઇડર ઉપર ચડાવી દીધી હતી. જોકે, કારચાલકને કોઈ ઈજા થઈ નથી. પરંતુ, એક તબક્કે કારચાલકનો શ્વાસ થંભી ગયો હતો. આ ઘટના બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કાર ચાલકને કારમાંથી હેમખેમ બહાર કાઢી લીધો હતો. કારમાંથી બહાર નીકળેલા કાર ચાલકે સ્થાનિક લોકોનો આભાર માનતા કહ્યું કે, હાશ જીવ બચી ગયો...

સોનારકૂઇ પાસે ઉપરા-છાપરી બની રહેલા અકસ્માતો પછી પણ તંત્ર ઉંઘ ઉડાડતું ન હોઇ, સ્થાનિક લોકોમાં પ્રચંડ રોષ ભભૂકી ઉઠ્યો છે. તંત્ર આ રોડ ઉપર કોઇ મોટા જીવલેણ અકસ્માતની રાહ જોઇ રહ્યું હોઇ તેમ લાગી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન બનેલા 5 અકસ્માતોમાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, આવનાર દિવસોમાં ભયંકર અકસ્માત થવાની દહેશત સ્થાનિક લોકો સેવી રહ્યા છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, જો તંત્ર દ્વારા વહેલી તકે અકસ્માત ઝોનને દૂર કરવા માટેની કોઇ કાર્યવાહી નહી કરે તો આંદોલન કરવાની ફરજ પડશે. આ રોડ ઉપર ચક્કા જામ કરીને રસ્તો બંધ કરી દેવામાં આવશે. તંત્ર અકસ્માતો અટકાવવા માટે કોઇ પગલાં નહિં ભરે તો અમે આ રોડના રહીશો અકસ્માતો અટકાવવા માટે રસ્તો બંધ કરશે. તેવી ચિમકી ઉચ્ચારી હતી.

Share :

Leave a Comments