કેલનપુર પાસે પોલીસે એક કિમી કારનો પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી, 8 લાખનો મુદ્દામાલ જપ્ત

કાર રોકવાનો પ્રયત્ન કર્યો પણ ભાગી ગયા, બે નંબર પ્લેટ મળી આવી

MailVadodara.com - Near-Kellanpur-the-police-chased-the-car-for-a-km-and-seized-the-car-full-of-liquor-confiscated-8-lakh-worth-of-valuables

- કાર રોકવાનો પ્રયત્ન કરતા કારચાલક નાકાબંધી તોડી ભાગી છૂટ્યા હતા, પોલીસે પીછો કરતાં ખેપીયા દારૂ ભરેલી કાર છોડી ફરાર થઇ ગયા


વડોદરા શહેર નજીક કેલનપુર પાસે પોલીસે નાકાબંધી કરી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. જોકે, દારૂ ભરી વડોદરા તરફ આવી રહેલા ખેપીયાઓએ પોલીસની નાકબંધી તોડી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે કારનો એક કિલોમીટર સુધી ફિલ્મીઢબે પીછો કરતાં ખેપીયા રોડની સાઇડમાં દારૂ ભરેલી કાર છોડી ફરાર થઇ ગયા હતા. પોલીસે રૂપિયા 1.84 લાખની કિમતનો દારૂનો જથ્થો અને કાર મળી કુલ્લે રૂપિયા 8. 84 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.


મળેલી માહિતી મુજબ વરણામા પોલીસ મથકના પીએસઆઇ વિ.જી. લાંબરીયાને બાતમી મળી હતી કે, સફેદ કરલની કાર જેની પાછળ APPLY FOR REGISTRATION લખ્યું છે. તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલો છે. આ કાર ડભોઇથી કપુરાઇ થઇ વડોદરા તરફ આવનાર છે. જે બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ, પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રભાઇ, મેહુલકુમાર અને કુલદીપસિહની મદદ લઈ કેલનપુરા ગામ પાસે જાબુઆ નદી નજીક નાકાબંધી કરવામાં આવી હતી. આ દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસ જવાનોએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ, કારચાલક નાકાબંધી તોડી ભાગી છૂટ્યો હતો.


જોકે, પોલીસ જવાનોએ એક કિલોમીટર જેટલો કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પોલીસે પીછો કરતાં ફફડી ગયેલા ખેપીયાઓ દારૂ ભરેલી કાર રોડની સાઇડમાં મુકી, તેની ચાવી કાઢીને બે ખેપીયા ફરાર થઇ ગયા હતા. સ્થળ ઉપર પહોચેલી પોલીસે કારની તપાસ કરતા તેમાંથી બે નંબર પ્લેટ મળી આવી હતી. ઉપરાંત કારના આગળના ભાગે ડ્રાઇવર સીટની બાજુમાં તથા પાછળના ભાગે ડીકીમાં પેટીઓમાં ભરેલો ભારતીય બનાવટનો રૂપિયા 1,84,800ની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારુનો જથ્થો તેમજ કાર સહિત કુલ રૂપિયા 8,84,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


આ બનાવ અંગે વરણામા પોલીસ સ્ટેશનમાં કારમાં દારુનો જથ્થો લઈ વડોદરા આવી રહેલા અને પોલીસની નાકાબંધી જોતાં કાર રસ્તામાં મૂકી ફરાર થઇ ગયેલા બે ખેપીયાઓ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. હાલ બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. બંને આરોપીઓ ઝડપાયા બાદ અન્ય વિગતો બહાર આવે એવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

Share :

Leave a Comments