- પોલીસે યુવકના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં મોકલી આપી અને યુવકની ઓળખ કરવાની દિશામાં વધુ તપાસ હાથ ધરી
વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આજે સવારે એક યુવકને મગર ખેંચી જતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને નદીમાં બોટ ઉતારી મગરને પથ્થરો મારી દૂર હડસેલ્યો હતો. આથી મગરે પોતાના જડબામાં રહેલા યુવકને છોડી દીધો હતો. બાદમાં ફાયરની ટીમે યુવકને એક કલાકની ભારે જહેમત બાદ કાઢ્યો હતો પણ તેનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો. પોલીસે યુવકના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
વડોદરાના ભીમનાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાં આજે સવારે એક યુવકને મગર નદીમાં ખેંચી ગયો હતો. આ ઘટના કોઈ વ્યક્તિએ જોતા તુરંત જ દાંડિયા બજાર ફાયરબ્રિગેડને કોલ કર્યો હતો. ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ સમયે મગર યુવકને ખેંચીને લઈ જઈ રહ્યો હતો. જેથી ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, નદીમાં ઘણા મગર હોવાથી ફાયરબ્રિગેડની ટીમને રેસ્ક્યુ ઓપરેશનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મગર યુવકના મૃતદેહને ખેંચીને દૂર લઈ જઈ રહ્યો હોવાથી રેસ્ક્યુ ઓપરેશનમાં વિઘ્ન આવ્યું હતું. જોકે, એક કલાકની ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડે યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો.
નદી કિનારો એકદમ સાંકડો હોવાથી બ્રિજ પરથી નદીમાં બોટ ઉતારીને મૃતદેહને બહાર કાઢ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને યુવકની ઓળખ કરવાની દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી.
વડોદરાના દાંડિયા બજાર ફાયર સ્ટેશનના ઓફિસર મનોજ સીતાપરાએ જણાવ્યું હતું કે, ભીમનાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાં એક યુવકને મગરને ખેંચીને લઈ જઈ રહ્યો હોવાનો કોલ મળ્યો હતો. જેથી અમે સ્થળ પર પહોંચી ગયા હતા. અમે જ્યારે પહોંચ્યા એ સમયે મગર યુવકને ખેંચીને લઈ જઈ રહ્યો હતો, જેથી અમે રસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને એક કલાકની જહેમત બાદ યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. યુવકની ઉંમર 35થી 40 વર્ષ હોવાનું જણાય છે, જોકે, યુવકની ઓળખ થઈ શકી નથી.
વિશ્વામિત્રી નદીમાં મગર યુવકને ખેંચી ગયા હોવાનો મેસેજ મળતા ભીમનાથ બ્રિજ પર લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ જતા પોલીસે લોકોને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો.