વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કમાટી બાગ પાસે આવેલા બાલ ભવન નજીક અગાઉ રોડનું પુરાણ કામ કર્યા બાદ રોડ બેસી જતા ફરી પાછી કામગીરી કરવાનો વારો આવ્યો છે. અગાઉ બાલ ભવન પાસે નરહરી હોસ્પિટલ તરફ જતા બ્રિજના અપ્રોચ રોડ પર ખાડો પડતા રીપેરીંગ કામગીરી કરવામાં આવી હતી. પરંતુ રીપેરીંગ કામ કરવામાં વેઠ ઉતારવામાં આવી હતી, ખાડાનું બરાબર પુરાણ કર્યું ન હતું અને માટી નાખીને ડામર પાથરી રોડનું લેવલ કરી દીધું હતું. નીચે જમીન સેટલ થતા ફરી રોડ બેસી ગયો છે અને કોર્પોરેશનને એક જ સ્થળે ફરી વખત રીપેરીંગ કરવાનો વારો આવ્યો છે.
આજે સવારે રીપેરીંગ કામ ચાલતું હતું ત્યારે માત્ર મજૂરો જ જોવા મળ્યા હતા, કોઈ જવાબદાર અધિકારી નજરે ચડતું ન હતું. કોર્પોરેશન દ્વારા ગટર, રોડ અથવા વરસાદી ગટરના જે કામો કરવામાં આવે છે, તે પૂરા થઈ ગયા બાદ રીપેરીંગની કામગીરી કોન્ટ્રાક્ટરના ભરોસે છોડી દેવાતા વેઠ ઉતારવામાં આવે છે. જેના લીધે છેવટે નુકસાન કોર્પોરેશનને જ થાય છે. જેમાં એકની એક કામગીરી ફરી કરવી પડે છે જેમાં પ્રજાકીય નાણાંનો વેડફાટ થાય છે.