આજવા રોડ પર રહેતા અને 13 વર્ષની ઉંમરથી યોગા કરતાં નટવરકાકા 84 વર્ષે પણ સ્વસ્થ-તંદુરસ્ત છે

નટવરકાકા કહે છે કે, યોગ તન, મન અને શ્વાસને જોડી આપીને અનેક લાભ કરાવે છે

MailVadodara.com - Natwarkaka-who-lives-on-Ajwa-Road-and-has-been-doing-yoga-since-the-age-of-13-is-healthy-at-84

- છેલ્લા 71 વર્ષથી યોગ કરતાં નટવરકાકા કહે છે કે, દરેક વ્યક્તિએ રોજ ઓછામાં ઓછો 10 મિનિટનો સમય યોગ માટે ફાળવવો જ જોઇએ

વિશ્વ યોગ દિવસની બુધવારે ઉજવણી થશે ત્યારે આવો જાણીએ યોગ કઇ રીતે જીવનમાં ઉપયોગી થાય છે. વડોદરાના નટવરકાકા ૮૪ વર્ષે પણ સંપુર્ણ સ્વસ્થ અને તંદુરસ્ત છે તેનું કારણ યોગ સાધના છે.


આજવા રોડ વિસ્તારમાં રહેતા ૮૪ વર્ષના નટવરકાકાએ યોગને જીવનનું એક અભિન્ન અંગ બનાવી દીધું છે. તેઓ જ્યારે ૧૩ વર્ષના હતા ત્યારથી તેઓ યોગ કરે છે અને ત્યારથી આજ સુધી એટલે કે ૭૧ વર્ષથી રોજ તેઓ યોગ કરે છે. આશ્ચર્યજનક વાત એ છે કે બાયપાસ અને એન્જોપ્લાસ્ટી એમ હૃદયની બે સર્જરી કરાવી હોવા છતાં આજના યુવાનો પણ નથી કરી શકતા એવા અઘરા મયુરાસન અને લોલાસન તેઓ એટલી સરળતાથી કરે છે.

નટવરકાકા રોજ વહેલી સવારે પાંચ વાગ્યે એક કલાક યોગાભ્યાસ કરે છે અને સાંજે નજીકના યોગ ક્લાસમાં જઈને લોકોને નિઃશુલ્ક યોગાસનો શીખવાડે છે. નટવરકાકા એકલા જ નહીં તેના પરિવારના સભ્યો પણ નિયમિત યોગાભ્યાસ કરે છે.  

નટવરકાકા કહે છે કે, યોગ તન, મન અને શ્વાસને જોડી આપીને અનેક લાભ કરાવે છે. માટે જીવનને નિરોગી જીવવું હોય અને મનને શાંત રાખવું હોય તો યોગની કળાને જીવનમાં અપનાવી લેવી જોઇએ. વિશ્વ યોગ દિવસે દરેક વ્યક્તિએ રોજ ઓછામાં ઓછો ૧૦ મિનિટનો સમય યોગ માટે ફાળવવાનો નિર્ધાર કરવો જોઇએ.

Share :

Leave a Comments