નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનો વડોદરાની ફાર્મા કંપનીના ગોડાઉનમાં દરોડો, પ્રતિબંધિત અને કથિત નશીલી દવાઓનો જથ્થો મળ્યો

MPમાંથી પકડાયેલી નશીલી દવાનો રેલો અમદાવાદ-ગાંધીનગર અને ભાવનગર થઈ વડોદરા પહોંચ્યો

MailVadodara.com - Narcotics-Control-Bureau-raids-Vadodara-pharma-company-godown

- NCBએ ટ્રામાડોલની 15300 ટેબ્લેટ અને કોડીન ફોસ્ફેટની 850 બોટલ ઝડપી

- 5 દિવસ પહેલા મુન્દ્રા પોર્ટથી 110 કરોડની પ્રતિબંધિત ટેબ્લેટ ઝડપાઈ હતી


દેશના યુવાધનને ખોખલું કરી રહેલા હાથવગા નશીલા ડ્રગ્સના ઉત્પાદન અને વેચાણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આગામી નવરાત્રિ મહોત્સવ પૂર્વે વડોદરામાંથી પ્રતિબંધિત અને કથિત નશીલી દવાઓનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે. MPમાંથી પકડાયેલી નશીલી દવાઓનો રેલો અમદાવાદ-ગાંધીનગર અને ભાવનગર થઈ વડોદરા સુધી પહોંચ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ સ્થાનિક અધિકારીઓને સાથે રાખી રાવપુરા વિસ્તારમાં આવેલા KHLOROPHYLLS બાયોટેક પ્રા. લિ. કંપનીના ગોડાઉનમાં દરોડો પાડી ટ્રામાડોલની 15300 ટેબ્લેટ અને કોડીન ફોસ્ફેટની 850 બોટલનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ઘરી છે. આ કાર્યવાહીમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.


દવાઓના ડિલરોના મુખ્ય બજાર ગણાતા વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલી KHLOROPHYLLS બામોટેક પ્રા. લિ. કંપનીના ગોડાઉનમાંથી પ્રતિબંધિત દવાઓનો જથ્થો NCBએ ઝડપી પાડતાં દવાના વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે NCBના ઇન્સ્પેક્ટર પ્રવિણ ધુલેએ જણાવ્યું હતું કે, શુક્રવારે બપોર બાદ NCBની ટીમ દ્વારા સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટર સંજય પટેલને સાથે રાખી વડોદરાના રાવપુરા ખાતે આવેલી KHLOROPHYLL’S બાયોટેક પ્રા. બિ. કંપનીના ગોડાઉનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન પ્રતિબંધિત દવાઓનું ગોડાઉન ઝડપાયું છે. જેમાં ટ્રામાડોલની 15,300 ટેબ્લેટ અને કોડીન ફૉસ્ફેટ સીરપની 850 બોટલનો જથ્થો મળી આવ્યો છે. જે જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવશે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ મધ્યપ્રદેશમાંથી પ્રતિબંધિત જથ્થો મળી આવ્યો હતો. તેની તપાસમાં અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગરમાં પ્રતિબંધિત દવાઓ અંગેની વિગતો બહાર આવી હતી. જે તપાસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેઓની ઘનિષ્ટ પૂછપરછ દરમિયાન વડોદરામાં રાવપુરા રોડ ઉપર KHLOROPHYLLLLS બાયોટેક પ્રા. લિ. કંપનીનું ગોડાઉન હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે તપાસ કરવામાં આવતા પ્રતિબંધિત દવાઓનો જથ્થો મળી આવ્યો છે. આ કાર્યવાહીમાં એક વ્યક્તિની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. 


મળેલી માહિતી પ્રમાણે KHLOROPHYLLS બાયોટેક પ્રા. લિ. કંપની દ્વારા કોડીન ફોસ્ફેટ નામની દવા બનાવે છે. જેની ફેક્ટરી મધ્યપ્રદેશ ખાતે આવેલી છે. કોડીન ફોસ્ફેટ દવાનું ઉત્પાદન સરકારની મંજૂરી હોય તેટલા પ્રમાણમાં જ કરવાનું હોય છે. તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના આ દવાના વેચાણ ઉપર પ્રતિબંધિત છે.

રાજકોટના મર્ચન્ટ એક્સપોર્ટર દ્વારા જુલાઈ મહિનાના અંતમાં સાત કન્ટેનરો સાઉથ આફ્રિકા માટે નિકાસ કર્યાં હતાં. જો કે, મુન્દ્રા કસ્ટમના સ્પેશિયલ ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓને માહિતી મળી જતાં ત્રણ કન્ટેનરો જપ્ત કર્યાં હતાં. જેમાં 100 કરોડની પ્રતિબંધિત ટેબ્લેટો મળી આવી હતી. આ કેસની તપાસ ચાલુ રાખવામાં આવતા કસ્ટમને એવી માહિતી મળી હતી કે, અગાઉ પ્રતિબંધિત દવાનો આ જથ્થો ચાર કન્ટેનરોમાં સાઉથ આફ્રિકામાં દરિયાઈ માર્ગે જવા માટે નીકળી ગયા છે. કસ્ટમ વિભાગે સાઉથ આફ્રિકાના પોર્ટનો સંપર્ક કરીને ચાર કન્ટેનરો પરત મોકલવા લેખિતમાં જાણ કરી હતી. આ ચાર કન્ટેનરો મુન્દ્રા કસ્ટમમાં પરત આવતા કસ્ટમ વિભાગે ચાર કન્ટેનરમાંથી પ્રતિબંધિત દવાઓ જપ્ત કરી છે. જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત 110 કરોડ થવા જાય છે. અત્યાર સુધીમાં અંદાજે 210 કરોડની પ્રતિબંધિત દવાઓ કસ્ટમ વિભાગે જપ્ત કરી છે.

આ દવાઓનો ઉપયોગ સાઉથ આફ્રિકાના જંગલોના રક્ષણ માટે ફરજ બજાવતા કમાન્ડો ઉપયોગ કરતા હોય છે. જેના કારણે એ લોકોની ફિટનેસ સારી રહે છે અને લાંબા સમય સુધી કામ કરી શકે છે. તેમજ તેઓને ઊંઘ આવતી નથી. આ દવાઓનો ઉપયોગ આતંકવાદી સંગઠનો પણ કરતા હોય છે. કસ્ટમ વિભાગને આશંકા છે કે, અત્યાર સુધીમાં 500 કરોડની પ્રતિબંધિત દવાઓ દરિયાઈ માર્ગે સાઉથ આફ્રિકા પહોંચી ગઈ છે. આ પ્રતિબંધિત દવાઓ સાઉથ આફ્રિકામાં કોને આપવામાં આવતી હતી અને તેનું પેમેન્ટ પણ કેવી રીતે લેવામાં આવતું હતું તેની તપારા ચાલી રહી છે. જો કે, સમગ્ર તપાસમાં હવાલા કૌભાંડ પણ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે, હાલ કોઈની ધરપકડ કરાઈ નથી, તેમ છતાં નજીકના દિવસોમાં ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે.

Share :

Leave a Comments