વડુ પોલીસે શંકાસ્પદ કેમિકલ પાવડરના જથ્થા સાથે બે શકમંદોને ઝડપી પાડ્યા બાદ આરોપીઓ પૈકીનો એક નંદેશરી કંપનીમાં કોન્ટ્રાકટ હેઠળ કામ કરતો હોય કંપનીના સ્ટોર રૂમમાંથી અલગ-અલગ દિવસે રૂ.7.77 લાખ ઉપરાંતની કિંમતનું રો મટીરીયલ ચોરી કરી હોવાની વિગતો સપાટી પર આવતા નંદેશરી પોલીસે આરોપી વિરુદ્ધ નોકરચોરી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શહેરના છેવાડે આવેલ નંદેસરી જીઆઇડીસી પ્લોટ નંબર 163, 164માં અલીન્દ્રા ફાર્મા કંપની આવેલ છે. જે બોસેન્ટન મોનોહાડ્રેડ, પ્રિગાબલિન તથા ફેનોફાયબ્રેટ જેવા રો મટીરીયલનું ઉત્પાદન કરે છે. રો મટીરીયલ સ્ટોર કરવા માટે ફિનિશ ગુડસ સ્ટોર રૂમ છે. અને રો મટીરીયલ ઓર્ડર મુજબ વેચાણ કરવાનું હોય છે. આ દરમ્યાન આ કંપનીમાં કોન્ટ્રાકટ હેઠળ કામ કરતો અનિરુદ્ધસિંહ ઉર્ફે ઇલ્યો પ્રવિણસિંહ ગોહિલ (રહે -અનગઢ ગામ) રો મટીરીયલ બોસેન્ટન મોનોહાડ્રેડ પાવડરના 6 કિલો મટીરીયલ સાથે વડુ પોલીસના હાથે ઝડપાયો હતો. વધુ તપાસ કરતા કંપનીના સ્ટોર રૂમમાંથી 11.06 કિગ્રા વજન ધરાવતા અને રૂ.7,77,700ની કિંમતનું ઉપરોક્ત મટીરીયલની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. આરોપીએ પોતાની નોકરીના સમયમાં સ્ટોર રૂમમાંથી આ મટીરીયલની ચોરી કરી હોવાની વિગતો બહાર આવતા અલીન્દ્રા ફાર્મા કપનીમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા દિલીપ બાલાશંકર પાઠકે કર્મચારી વિરુદ્ધ નંદેશરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.