- 74 વર્ષની ઉંમરે પહોંચેલા નાગપુરના નિવૃત એન્જિનિયર વૃદ્ધે મેટ્રીમોનીયલ સાઇટ પરથી પરિચયમાં આવેલી મહિલાને વડોદરાની એક હોટલમાં મળવા બોલાવી હતી
74 વર્ષની ઉંમરે પહોંચેલા નાગપુરના વૃદ્ધે મેટ્રીમોનીયલ સાઇટ પરથી પરિચયમાં આવેલી મહિલા સાથે હોટલમાં દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સપાટી પર આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના અંગે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તુરંત એક ટીમને મહારાષ્ટ્ર રવાના કરી હતી. ટીમે ગણતરીના કલાકોમાં જ દુષ્કર્મના આરોપી વૃદ્ધની અટકાયત કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઢળતી ઉંમરે આધ્યાત્મ, ભજન-કિર્તન તરફ મન વાળવાની ઉંમરે વૃદ્ધે શરમજનક કૃત્ય કરતા ચર્ચાનો વિષય બન્યો છે. 26 નવેમ્બરના રોજ શહેરના સયાજીગંજ પોલીસ મથકમાં દુષ્કર્મની એક ઘટના નોંધાઇ હતી. જે અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી હરીપ્રસાદ જગન્નાથ રાઠી (74) (રહે. એલઆઇજી, વીએચબી કોલોની શાંતિનગર, નાગપુર, મહારાષ્ટ્ર) લગ્ન વિષયક સાઇટ પરથી મહિલાના સંપર્કમાં આવ્યા હતા. આરોપી વૃદ્ધ નિવૃત એન્જિનિયર છે અને હાલ ખાનગી કંપનીમાં કન્સલટન્ટ કામનું કામ કરે છે.
તાજેતરમાં બંને વડોદરાની એક હોટલમાં મળવા ભેગા થયા હતા. જ્યાં પહેલી જ મુલાકાતમાં વૃદ્ધે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ આરોપી મહારાષ્ટ્રનો હોવાનું જણાઇ આવતા સયાજીગંજ પોલીસ મથકના પીઆઇ ઝેડ. એન. ઘાસુરાએ એક ટીમ નાગપુર માટે રવાના થઇ હતી. જ્યાંથી આરોપીને દબોચી લઇને વડોદરા લાવવામાં આવ્યો છે. આરોપીએ તેની પુછપરછમાં ગુનો આચર્યો હોવાની કબુલાત કરી છે. આખરે આરોપીને વડોદરા લાવીને તેના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બન્નેને બે-બે સંતાન છે. જોકે, આરોપી હરિપ્રસાદ રાઠીની પત્ની ગુજરી ગઇ છે. જ્યારે ભોગ બનનાર મહિલાની ઉંમર 50 વર્ષ છે.
સયાજીગંજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ઘાસુરાએ જણાવ્યું હતું કે, ભોગ બનનાર મહિલા અને હરિપ્રસાદ રાઠી છેલ્લા ત્રણ- ચાર વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. આરોપી હરિપ્રસાદ રાઠી એન્જીનીયર તરીકે નિવૃત્ત થયા હતા અને હાલમાં એક કંપનીમાં કન્સલટન્ટ તરીકેની સેવા આપી રહ્યા છે.