- ફાર્મસી ફેકલ્ટી ગત વર્ષે ટોપ-50માં 16માં સ્થાને હતી, આ વર્ષે 30માં સ્થાને આવી
કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય દ્વારા આજે જાહેર કરવામાં આવેલ એનઆઇઆરએફ (નેશનલ ઇન્સ્ટિટયૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક) ઇન્ડિયા રેન્કિંગ -૨૦૨૩માં જનરલ રેન્કિંગમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી દેશની ટોપ-૧૦૦ યુનિવર્સિટીમાં સ્થાન પામી શકી નથી. આ વર્ષે પણ એમ.એસ.યુનિવર્સિટી ૧૦૧ થી ૧૫૦ના રેન્ક બેન્ડમાં જ સ્થાન મળ્યુ છે.
શિક્ષણ મંત્રાલયને આ વર્ષે એનઆઇઆરએફ માટે ૬,૪૦૫ યુનિવર્સિટીઓ, કોલેજો અને ઇન્સ્ટિટયૂટ્સ તરફથી અરજીઓ મળી હતી જેમાંથી ૫,૫૪૩ અરજીઓનું સબમીશન થયુ હતુ. એનઆઇઆરએફ દ્વારા ગત વર્ષે ઓવર ઓલ, યુનિવર્સિટી, કોલેજીસ, રિસર્ચ ઇન્સ્ટિટયૂટ્સ સહિત ૧૧ કેટેગરીમાં રેન્કિંગ કરવામાં આવ્યુ હતું જ્યારે આ વર્ષે ૧૩ કેટેગરીમાં રેન્કિંગ થયુ છે. જેમાં દેશની બેસ્ટ કોલેજીસની લિસ્ટમાં વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીનું સ્થાન ૧૦૧થી ૧૫૦ના રેન્ક બેન્ડમાં છે. વર્ષ ૨૦૨૧માં એમ.એસ.યુનિવર્સિટીએ ટોપ-૧૦૦ યુનિવર્સિટીમાં ૯૦મુ સ્થાન હાંસલ કર્યુ હતું જે કથળીને ગત વર્ષે ૧૦૧થી ૧૫૦ના રેન્ક બેન્ડમાં આવી ગયુ હતું. જે બાદ પણ યુનિવર્સિટીએ રેન્કિંગ સુધારવા માટે કોઇ પ્રયત્ન નહી કરતા આ વર્ષે પણ સ્થાન યથાવત રહ્યું હતું.
બીજી તરફ ઓવરઓલ કેટેગરીમાં એમ. એસ. યુનિવર્સિટીનું સ્થાન ગત વર્ષે ૧૫૧થી ૨૦૦ના રેન્ક બેન્ડમાં હતું. આ વર્ષે તેમાંથી પણ બહાર થઇ ગયુ મતલબ કે ઓવરઓલ કેટેગરીમાં એમ. એસ. યુનિવર્સિટીનું સ્થાન ટોપ ૨૦૦ યુનિવર્સિટીમાં પણ નથી.
એનઆઇઆરએફની ફાર્મસી કેટેગરીમાં એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાર્મસીનું સ્થાન દેશની ટોપ-૫૦ ફાર્મસી ઇન્સ્ટિટયૂટ્સમાં ગત વર્ષે ૧૬મું સ્થાન હતુ જે કથળીને આ વર્ષે ૩૦મા સ્થાને આવી ગઇ છે. જો કે હજુ પણ દેશની ટોપ-૫૦ ફાર્મસી ઇન્સ્ટિટયૂટ્સમાં છે તેવું આશ્વાસન લઇ શકાય. એન્જિનિયરિંગ કોલેજોમાં ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ ગત વર્ષે ટોપ ૧૦૧થી ૧૫૦માં ૧૪૯માં સ્થાને હતી જે આ વર્ષે ૧૫૧ થી ૨૦૦ના રેન્ક બેન્ડમાં આવી ગઇ છે.