- વડોદરા સહિત દેશના અનેક સ્થળો પર નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના દરોડા
- ફરિયાદીએ આરોપી મનીષ હીંગુને લોન લઈ 1.50 લાખ રૂપિયા ફી પણ ચૂકવી હતી
- વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ પર લઈ જઈ હાલમાં આરોપીની પૂછપરછ શરૂ કરાઇ
કંબોડિયામાં ભારતીય નાગરિકોને બંધક બનાવીને ત્રાસ ગુજારવાના મામલે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા વિશ્વમોહિની કોમ્પ્લેક્ષમાં આવેલી UESની ઓફિસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દરોડા પાડ્યા હતા અને આરોપી મનીષ હિંગુની અટકાયત કરી છે અને UES કંપનીના MD મનીષ હિંગુને સાથે રાખીને તપાસ કરી હતી. જેમાં NIAની સાથે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી.
કંબોડિયામાં મોટું જોબ સ્કેમ સામે આવ્યું હતું. જેમાં અનેક ભારતીય મૂળના લોકો સ્કેમમાં ફસાઇ ગયા હતા અને તેમને સ્વદેશ પરત લાવવાની કામગીરી ચાલી રહી છે. આ સમગ્ર કૌભાંડની તપાસ આજે વડોદરા સુધી પહોંચી ગઈ છે. આજે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી UES જોબ કન્સલ્ટન્સીની ઓફિસ પર વડોદરા ક્રાઇમ બ્રાન્ચ NIAના આધિકારીઓએ મળીને રેડ કરી હતી. જેમાં આરોપી મનીષ હિંગુને સાથે રાખીને પોલીસે તેની ઓફિસમાં તપાસ કરી હતી. વડોદરા સહિત દેશભરમાં અનેક સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે.
ઓરિસ્સાના દિનબંધુ શાહુ નામના વ્યક્તિને નોકરીની લાલચ આપીને વિયેતનામ મોકલ્યો હતો અને ત્યાંથી કંબોડિયા મોકલીને 35થી વધુ દિવસ સુધી બંધક બનાવ્યો હતો. દિનબંધુ શાહુએ લોન લઇને મનીષ હિંગુને 1.50 લાખ રૂપિયા ફી ચૂકવી હતી. આરોપી મનીષ હિંગુ 6 મહિના પહેલા વિશ્વમોહિની કોમ્પ્લેક્ષમાં ઓફિસ ચલાવતો હતો. જેથી આજે આરોપીને સાથે રાખીને પોલીસે ઓફિસમાં સર્ચ કર્યું હતું.
દિનબંધુ શાહુએ કરેલી પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે, કોઇએ મને UES JOBS1 નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યો હતો અને મને વિયેતનામમાં નોકરીની તકની જાણ થઈ હતી અને મેં UESની ઓફિસનો સંપર્ક કર્યો હતો. 17 જુલાઈ-2023ના રોજ UESના એમડી મનીષ હિંગુ સાથે વાત કરી હતી અને તેમણે મને ખાતરી આપી હતી કે, કોઈ સમસ્યા નથી અને જો કોઈ સમસ્યા હશે તો તેઓ કાળજી લેશે અને મને સુરક્ષિત લાવશે. મેં સંબંધીઓ પાસેથી લોન લઈને પૈસાની વ્યવસ્થા કરી હતી અને મનીષને 1.50 લાખ રૂપિયા આપ્યા હતા.
આજે સવારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને NIAના અધિકારીઓઓએ વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી UES જોબ કન્સલ્ટન્સીની ઓફિસમાં દરોડા પાડ્યા હતા અને આરોપી મનીષ હિંગુને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી અને તેને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં લઇ જવામાં આવ્યો છે. જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કંબોડિયામાં મોટી સંખ્યામાં ભારતીયોને બંધક બનાવવાની ઘટના સામે આવી હતી. ડેટા એન્ટ્રીની જોબના બહાને લઇ જઇને ભારતીય યુવાનો પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતીયોએ હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાની જાણ થયા બાદ ભારતીય વિદેશ મંત્રાલય એક્શનમાં આવ્યું હતું અને તમામ નાગરિકોને પરત લાવવા માટેની શરૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર કેસની તપાસ દેશની પ્રતિષ્ઠિત તપાસ એજન્સી NIAને સોંપવામાં આવી હતી અને હવે આ કેસની તપાસનો રેલો વડોદરા સુધી પહોંચ્યો છે.