- યુવકે ડેસર પોલીસ સ્ટેશન ખાતે યુવતીના ભાઈ સહિત 5 સામે ફરિયાદ નોંધાવી
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના બૈડપના મુવાડા ગામમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવાનનું અપહરણ કરી કાલોલ પાસે હાથ પગ દોરડાથી બાધી નર્મદા કેનાલમાં ફેંકી હત્યાનો પ્રયાસ કરનાર યુવતીના ભાઈ સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ છે. મોડી રાત્રે બનેલા આ બનાવે ચકચાર જગાવી મૂકી છે.
ડેસર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, બૈડપના મુવાડા ગામમાં અવિનાશ વજેસિંગ પરમાર પરિવાર સાથે રહે છે અને મંજુસર જીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. અવિનાશને ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આથી તેની અદાવત રાખીને યુવતીના ભાઈ સહિત 5 વ્યક્તિઓએ તેની હત્યાના કરેલા પ્રયાસે ગામમાં ચકચાર જગાવી મૂકી છે.
પોલીસ ફરિયાદ પ્રમાણે, અવિનાશ પરમાર 16 મેના રોજ રાત્રે ઘર પાસે લઘુશંકા કરવા માટે ઉભો રહ્યો હતો. તે દરમિયાન તેની પૂર્વ પ્રેમિકાનો ભાઈ કિશનકુમાર અજીતસિંહ રાઠોડ, પૂર્વ પ્રેમિકાના ફુવા તેમજ અન્ય 3 વ્યક્તિઓ મોટર સાયકલ લઈને આવી પહોંચ્યા હતા અને અવિનાશને ઢોર માર માર્યો હતો. તેમજ તેને મોટરસાઇકલ ઉપર બેસાડીને કાલોલ તાલુકાના નારણપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે લઈ ગયા હતા. ત્યાં તેના હાથ-પગ બાંધીને નર્મદા કેનાલમાં ફેંકી દીધો હતો અને તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે હાથ-પગ બાંધીને નર્મદા કેનાલના પાણીમાં ફેંકી દેવાયેલા અવિનાશ પરમારે મોતને મ્હાત આપીને બહાર નીકળી ગયો હતો. દરમિયાન તે ડેસર પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો. ડેસર પોલીસ મથકમાં જઈને માર મારી, અપહરણ કરીને નર્મદા કેનાલમાં ફેંકી દઇ હત્યાનો પ્રયાસ કરનાર પૂર્વ પ્રેમિકાના ભાઈ કિશનકુમાર રાઠોડ, પૂર્વ પ્રેમિકાના ફુવા તેમજ અન્ય 3 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી. બૈડપના મુવાડા ગામમાં અવિનાશ પરમારની હત્યાનો પ્રયાસ થયો હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા ચકચાર મચી ગઈ હતી.
બીજી બાજુ આ બનાવ અંગે ડેસર પોલીસે અપહરણ કરી હત્યાનો પ્રયાસ કરનાર આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવ અંગે ડેસર પોલીસ મથકના પી.એસ.આઇ ગઢવીએ જણાવ્યું હતું કે, ફરિયાદ મોડી રાત્રે દાખલ કરવામાં આવી છે. આરોપીઓની શોધખોળ હાલ ચાલી રહી છે. આરોપીઓની ધરપકડ બાદ અન્ય વિગતો બહાર આવશે. ફરિયાદ પ્રમાણે પ્રેમ પ્રકરણની અદાવતમાં આ ઘટના બની છે.