- કોર્પોરેશનના 721 કરોડના આવકના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં આશરે 382 કરોડની વસૂલાત થઇ ગઇ, પાછલી બાકી રકમ પર ચડેલા વ્યાજ પર 80 ટકા વળતર અપાશે
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વર્ષ 2024-2025ના મિલકત વેરાના બિલો ભરવાની મુદતમાં 15 દિવસનો તાજેતરમાં વધારો કરવામાં આવ્યો છે. કોર્પોરેશનના 721 કરોડના આવકના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં આશરે 382 કરોડની વસૂલાત થઇ ગઇ છે. બાકી વેરાની વસૂલાત માટે પ્રોત્સાહક વ્યાજ વળતર યોજના સ્ટેન્ડિંગ સમિતિએ મંજૂર કરી છે. આ યોજના તારીખ 21 જાન્યુઆરી, 2025થી શરૂ થશે અને 31 માર્ચ, 2025 સુધી અમલમાં રહેશે.
વડોદરા કોર્પોરેશન દ્વારા મિલકત વેરાના બાકી ટેક્સની વસૂલાતની કડક કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ, મિલકતો ઘણી બંધ રહેતી હોવાથી તેમજ કોર્ટ કેસ, લિક્વિડેશન અને રેવન્યુ ક્લેમ જેવા વિવિધ કારણોસર ટેક્સની વસૂલાત થઈ શકતી નથી. લોકો બાકી વેરો ભરે અને પાછલા હિસાબો સેટલ થતા જાય તે માટે લોકોને રાહત આપવા માટે પ્રોત્સાહક વ્યાજ વળતર યોજના લાગૂ કરવામાં આવી છે. ભાડા આકારણી પદ્ધતિ મુજબ કોઈપણ કરદાતા પાછલી બાકી રકમ ભરે તો તેને નોટિસ ફી, વોરંટ ફી વગેરેમાં તેમજ વ્યાજની રકમમાં 100 ટકા વળતર અપાશે.
બિલમાં વ્યાજની રકમ બાકી હોય તો પણ 100 ટકા વળતર અપાશે. ટેક્સ અપીલ અને રિટર્ન થયેલા ચેકની ડિમાન્ડ બાકી હશે તો તેમાં વળતર યોજનાનો લાભ અપાશે. કોર્પોરેશનમાં ક્ષેત્રફળ આધારિત આકારણી પદ્ધતિ વર્ષ 2003-04થી અમલમાં આવી છે. વર્ષ 2023-24 સુધી બાકી રકમ પર વળતર આપવામાં આવશે. તમામ રહેણાંક મિલકતોની પાછલી બાકી રકમ પર ચડેલા વ્યાજ પર 80 ટકા વળતર અપાશે.જ્યારે કોમર્શિયલ મિલકતો માટે પણ પાછલી બાકી રકમ પર ચડેલા વ્યાજ પર 80 ટકા વળતર આપવામાં આવશે. વર્ષ 2023 સુધી મિલકત વેરાના બિલમાં જો ફક્ત વ્યાજની રકમ બાકી હશે તો પણ આ યોજનાનો લાભ મળી શકશે. વર્ષ 2003-04થી 2024-25 સુધીના વેરા પૂરેપૂરા ભરપાઈ કરશે તો આ યોજનાનો કોર્પોરેશન લાભ આપશે.