- નદીમાં પ્લાસ્ટિક અને થરમોકોલના કચરા તણાઈ આવે છે નદીમાં હજી ગંદા પાણી ઠલવાઈ રહ્યા છે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાલુ વર્ષના બજેટમાં વિશ્વામિત્રી શુદ્ધિકરણ યોજના પર ભાર મૂકવામાં આવ્યો છે. વર્ષોથી વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવાની અને ગટરના છોડતા પાણી બંધ કરવાની વાતો થાય છે, પરંતુ આજે પણ નદીની હાલત યથાવત રહી છે. વડોદરામાં સમા પાસે આવેલા બ્રિજ નીચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પ્લાસ્ટિક અને થરમોકોલના ઢગલાં સહિતનો કચરો વિશ્વામિત્રીમાં જોવા મળી રહ્યો છે. આવો જ કચરો કાલાઘોડા નજીક બ્રિજ નીચે નદીમાં જોવા મળે છે.
વડોદરા કોર્પોરેશને ચોમાસા પૂર્વેની કામગીરીમાં નદી-નાળા અને કાંસ તેમજ વરસાદી ગટરોની ચેમ્બરો વગેરે સફાઈ થઈ ગઈ હોવાના દાવા કર્યા છે, પરંતુ સમા બ્રિજ પાસેથી પસાર થતી નદીમાં જંગલી વનસ્પતિ, વેલા વગેરે જેમના તેમ જોવા મળી રહ્યા છે. કામગીરીમાં વેઠ ઉતારી હોવાનો આક્ષેપ સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ કર્યો છે. તેમના કહેવા મુજબ સફાઈ નહીં થતા પાણી પણ અટકી રહ્યું છે. ગાયકવાડી શાસન વખતના બ્રિજને નુકસાન થઈ રહ્યું છે. હાલ નદીમાં પાણીની સપાટી 13 ફૂટથી વધુ છે. આજવામાંથી હજી પાણી છોડવાની સ્થિતિ ઊભી થઈ નથી, પરંતુ જ્યારે પાણી છોડાશે ત્યારે આવા અવરોધોના કારણે પાણીનો નિકાલ પણ ઝડપથી થઈ શકશે નહીં. અગાઉ કોર્પોરેશનમાં સભામાં ચર્ચા દરમિયાન વિશ્વામિત્રીનો મુદ્દો આવ્યો, ત્યારે વિરોધ પક્ષે ટકોર પણ કરી હતી કે, વડોદરામાં ડ્રેનેજ પાણી શુદ્ધ સંપૂર્ણ કરાય તો વડોદરા ચોખ્ખું થઈ જાય.
વિશ્વામિત્રીનો શહેરમાં જ્યાંથી પ્રારંભ થાય છે ત્યાંથી શરૂ કરીને શહેરના છેવાડા સુધી નદીમાં જ્યાં જ્યાં નાળા આવેલા છે, ત્યાંથી નદીમાં ગંદા પાણી છોડાઈ રહ્યા છે. જોકે આ નાળાનો સર્વે કરીને એન્ટ્રી પોઇન્ટથી નાળા એક પછી એક બંધ કરવામાં આવશે તેવી જાહેરાત પણ થઈ હતી. વર્ષ 2018ના બજેટમાં પણ વિશ્વામિત્રી નદી પુનઃ જીવિત અને ચોખ્ખી કરી તેમાં ચોખ્ખું પાણી વહેતું થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તે માત્ર હજી સુધી જાહેરાત જ પુરવાર થઈ છે. વિશ્વામિત્રી શુદ્ધિકરણ માટેના પ્રોજેક્ટનો ડીપીઆર પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. કોર્પોરેશનના ટ્રીટમેન્ટ પ્લાન બરાબર ચાલે, પાણી બરાબર શુદ્ધ કરાય, વરસાદી ગટરમાં ડ્રેનેજનું પાણી ઠાલવવાનું બંધ થાય તો નદી દૂષિત બનતી અટકે.