- કેબલ હટાવવાની વારંવાર સૂચનાઓ ધોળીને પી ગયેલા ખાનગી કંપનીના ઓપરેટરો સામે પાલિકાનો સપાટો
વડોદરા શહેરમાં આડેધડ કેબલ વાયરો લટકાવતા કેબલ ઓપરેટરો સામે મ્યુ. કમિશનરે લાલ આંખ કરી છે. જેતલપુર ઓવરબ્રિજ અને જેતલપુર રોડ પર સડકો પર લટકતા કેબલ પાલિકાની દબાણ શાખાએ કાપી નાખ્યા હતા.
વડોદરા શહેરના રાજમાર્ગો પર તથા ઓવરબ્રિજ અને લાઈટના થાંભલા પર કેબલ કંપનીઓ દ્વારા વાયરો ગેર કાયદેસર રીતે લટકાવવામાં આવે છે. ખાનગી ટીવી ચેનલો અને ખાનગી કેબલ કંપનીઓ દ્વારા તમને કેબલ વાયરો રોડ ક્રોસ કરવા મધ્યગુજરાત વીજ કંપની અને પાલિકાના સ્ટ્રીટ લાઈટના થાંભલાનો ઉપયોગ કરે છે. કેબલ કંપનીને આવી રીતે કેબલ વાયર પસાર કરવાની પરવાનગી અપાતી નથી. આથી વિશેષ કેબલ વાયરો ડિવાઈડર પર લાગેલા પાલિકાની સ્ટ્રીટ લાઈટના થાંભલા પર જોખમી રીતે લટકાવવામાં આવે છે. કેબલ વાયરો ડીવાઇડર પર પણ લટકાવવામાં આવે છે જે વાહન ચાલકો માટે જીવલેણ બની શકે છે.
પાલિકાએ અગાઉ કેબલ વાયરો સ્ટ્રીટ લાઈટના થાંભલા અને ઓવરબ્રિજ ની પાળી પરથી હટાવી લેવાની સૂચના આપી હતી. જો કે કેબલ ઓપરેટરો એ પાલિકાની સૂચનાનું પાલન કર્યું ન હતું. આ દરમ્યાન મ્યુનિસિપલ કમિશ્ર્નર દિલીપ રાણાએ દબાણ શાખાને રોડ પર અને ઓવર બ્રિજ પર લાગેલા જીવલેણ સાબિત થાય એવા કેબલ વાયરો હટાવવાની સૂચના આપી હતી. પાલિકાની દબાણ શાખાના ડાયરેક્ટર ડૉ. મંગેશ જયસ્વાલની ટીમે જેતલપુર રોડ પર સપાટો બોલાવ્યો હતો.
દબાણ શાખાએ જેતલપુર ઓવરબ્રિજ અને રોડ પરના ગેરકાયદેસર રીતે લાગેલા કેબલ વાયરો કાપી નાખ્યા હતા. દબાણ શાખાએ કેબલ વાયરોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી કેબલ કંપનીઓના આડેધડ ખોદકામ ની ફરિયાદો બાદ આડેધડ કેબલ વાયરો લટકાવવાને કારણે રાહદારીઓ માટે જીવનું જોખમ ઉભું થાય છે ત્યારે મ્યુ. કમિશ્ર્નર દિલીપ રાણાએ પ્રજાની સલામતી ને ધ્યાને લઈ લીધેલો નિર્ણય સરાહનીય છે.
કેબલ ઓપરેટરો ગાંઠતા કેમ નથી..?
શહેરમાં ખાનગી કંપનીઓના કેબલ ઓપરેટરો પાલિકા તંત્ર ને ગાંઠતા નથી. પાલિકાએ આડેધડ લટકાવેલા કેબલ વાયરો હટાવી લેવાની સૂચના આપે છે. આમછતા કેટલાક કેબલ ઓપરેટરો રાહદારીઓના જીવ ને જોખમ ઉભું કરે એવી રીતે કેબલ વાયરો થાંભલાઓ પર લટકાવી દેતા હોય છે. કેબલ વાયર એક સ્થળે થી બીજા સ્થળે લઈ જવા પોતાની વ્યવસ્થા ઉભી કરવાને બદલે કેબલ ઓપરેટરો પાલિકા અને વીજ કંપનીના થાંભલાનો ઉપયોગ કરે છે. જો કે કેબલ ઓપરેટરોની દાદાગીરી પાછળ કેટલાક રાજકારણીઓની ભૂંડી ભૂમિકા હોય છે. કેટલાક કેબલ ઓપરેટરો મુઠ્ઠીભર નેતાઓને ખુશ રાખે છે. એમની આગતા સ્વાગતા એટલી હદે કરતા હોય છે જયારે પાલિકા કે વીજ કંપનીઓ કાયદાનો દંડો ઉગામે ત્યારે આવા મુઠીભર ભ્રષ્ટ નેતાઓ એમની પડખે આવી જાય છે. જો કે વડોદરાના બાહોશ મ્યુનિસિપલ કમિશ્ર્નર દિલીપ રાણાએ કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર ગેરકાયદેસર વાયરો કાપવાનો નિર્ણય લેતા ઓપરેટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.