- દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન ઘર્ષણના દ્રશ્યો સર્જાયા, વેપારીઓમાં નાસભાગ, 50થી વધુ કાચા પાકા દબાણ હટાવ્યા, બે ટ્રક માલ જપ્ત
વડોદરાના તાંદલજા રોડ વિસ્તારમાં આજરોજ જે.પી પોલીસ સ્ટેશનથી રાજવી ટાવર સુધીના મુખ્ય માર્ગ ઉપર લારી તંબુ દબાણ શાખાની ટીમે જપ્ત કર્યા જેપી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખીને તથા દબાણ શાખાના અધિકારીઓ સાથે રાખીને બે થી વધુ ગાડીઓ ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો છે.
દિવાળી નવા વર્ષના તહેવારો પુરા થતા એકશનમાં આવેલા વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાની ટીમે આજે વોર્ડ નં. 11માં જૂના પાદરા રોડથી રાજવી ટાવર સુધીના રોડ રસ્તાની બંને બાજુ પર થયેલા હંગામી કાચા પાકા દબાણો સહિત ખાણી પીણી અને ફ્રુટવાળાઓના પથારા સહિત શેડ તોડીને કેટલોક માલ સામાન તથા લારીઓ મળીને બે ટ્રક જેટલો માલસામાન કબજે કર્યો હતો. જોકે પોલીસ બંદોબસ્ત હોવાના કારણે ખાસ કોઈ દબાણ કરનારાઓએ દબાણ શાખાની ટીમની કાર્યવાહીનો ખાસ કાંઈ વિરોધ કર્યો ન હતો. છતાં કેટલીક જગ્યાએ ઘર્ષણ થતાં પોલીસે મામલો થાળે પાડ્યો હતો.
આ દરમિયાન આજે પાલિકાની દબાણ શાખાની ટીમ જેસીબી મશીન સાથે રાખીને પોલીસ બંદોબસ્ત સાથે મળીને જુના પાદરા રોડથી રાજવી ટાવર સુધીના રોડ રસ્તાની બંને બાજુના ખાણીપીણી અને ફ્રુટની લારીઓ સહિત ગલ્લા પથારા શેડ બાંધીને વેપાર ધંધો કરનારા પર ત્રાટકી હતી. જાહેર રોડ રસ્તા સહિત ફૂટપાથ અને આંતરિક રસ્તાઓ પરથી દબાણ શાખાની ટીમે દબાણો હટાવતા સમયે કેટલીક જગ્યાએ પથારાવાળા અને દબાણ શાખાની ટીમના કર્મચારીઓ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા સમગ્ર કામગીરી દરમિયાન કોર્પોરેશનને બે ટ્રક ભરીને માલ જપ્ત કર્યો હતો જ્યારે 50થી વધુ કાચા પાકા અને હંગામી દબાણો હટાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, નવા વર્ષના પ્રારંભથી જ પાલિકા તંત્રની દબાણ શાખા એક્શનમાં આવી છે પરંતુ શહેરમાં લહેરીપુરા-ન્યાય મંદિર સહિત આંતરીક અને જાહેર રોડ પર ગેરકાયદે લારી ગલ્લા પથારાના દબાણો કરનારા ખુલ્લેઆમ વેપાર ધંધો કરી રહ્યા છે જેમાં રાજકારણ અને હપ્તાખોરીને આક્ષેપ કાયમી ધોરણે થઈ રહ્યો છે. માથાના દુખાવા સમાન આવા દબાણોનો કાયમી ધોરણે નિકાલ થવાનો કોઈ ઉકેલ નથી.