- ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ત્રણ મોબાઇલ, ટીવી, સેટટોપ બોક્સ, રોકડા રૂપિયા ૭૦૦ સહિતની ચીજો કબજે કરી 13,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
વડોદરામાં ક્રિકેટ સટ્ટાનો જુગાર રમવા માટેની આઇ.ડી.મેળવી મોબાઇલ ફોનથી ગ્રાહકોના સંપર્કમાં રહીને ક્રિકેટ સટ્ટાનો જુગાર રમતા અને રમાડતા મુંબઇના યુવકને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ડભોઇ-વાઘોડીયા રિંગ રોડ પર આવેલી પ્રમુખપાર્ક સોસાયટીના એક મકાનમાં ક્રિકેટ સટ્ટાના હારજીતના જુગાર અંગે રેડ કરી હતી. જેમાં પ્રથમ માળે આવેલા રૂમમાં IPLની મુંબઇ ઇન્ડિયન્સ તથા રોયલ ચેલેંન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઇ રહેલ ટી-20 ક્રિકેટ મેચનું ટી.વી.ઉપર લાઇવ પ્રસારણ જોઇ પોતાની પાસે રાખેલ કુલ 3 મોબાઇલ ફોનનો ઉપયોગ કરી નોટબુકમાં ક્રિકેટ સટ્ટો રમનાર ગ્રાહકોના ટુંકા નામ લખી ક્રિકેટ સટ્ટા તેમજ રૂપીયાનો હિસાબ લખી ક્રિકેટ સટ્ટાનો જુગાર રમતો-રમાડતો શખસ નામે પ્રથમેશ ભરતભાઇ રાવરાણી (ઉ.31, રહે હાલ. પ્રમુખપાર્ક સોસાયટી, ડભોઇ વાઘોડીયા રીંગ રોડ, પરીવાર ચોકડી પાસે, વડોદરા, મૂળ રહે. ધનેંદ્ર બિલ્ડીંગ હાજીબાપુ રોડ મલાડ મુંબઇ (ઇસ્ટ)ને ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ત્રણ મોબાઇલ, ટીવી, સેટટોપ બોક્સ, રોકડા રૂપિયા ૭૦૦ સહિતની ચીજો કબજે કરી 13,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે સટ્ટો રમાડવા માટે આઇડી મુંબઇના કાંદીવલી ખાતે રહેતા આનંદે આપ્યો હોવાની વિગતો ખૂલતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.
પોલીસે પ્રથમેશ ભરતભાઈ રાવરાણી (મૂળ રહે.હાજી બાપુ રોડ,મલાડ,મુંબઈ)ની અટકાયત કરી ત્રણ મોબાઇલ તપાસતાં ક્રિકેટના સટ્ટાની એપ ઉપર સટ્ટો રમાડવામાં આવી રહ્યો હતો.આ એપમાં તારીખ, સિરિયલ ક્રમાંક, ક્રેડિટ, ડેબિટ,પોઇન્ટ, રિમાર્ક્સ જેવા કોલમ અને સિલક દર્શાવવામાં આવી હતી. જે સિલક રૂપિયા ૩.૪૯ લાખ જેટલી બતાવતી હતી.