- પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કર્યો
વડોદરા શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા શહેરમાં સ્પા સંચાલકો સામે અવારનવાર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે ગત રોજ શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ ડિવાઈન સ્પામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ચેક કરતા સ્પામાં પોલીસ વેરિફિકેશન વગર જ મુંબઈની યુવતી કામ ઉપર કામ કરતી મળી આવી હતી. આથી પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી મેનેજરની ધરપકડ કરી છે જ્યારે માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે.
વડોદરા શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે માંજલપુરના યુવા મોલ પાસે આવેલા મેબલ પ્લાઝાના પહેલા માળે આવેલા ડિવાઇન સ્પા નામના સેન્ટરમાં ચેકિંગ કરતા એક મહારાષ્ટ્રની યુવતી મળી આવી હતી. આ યુવતી અહીં સ્પામાં કામ કરતી હતી.જાેકે તે બાબતે કોઈ વેરિફિકેશન ન હોવાથી એ.એચ.ટી.યુ. દ્વારા સ્પા મેનેજર ધર્મેશ ભીખાભાઈ સોલંકી (રહે- નવાપુરા ફળીયા, માંજલપુર ગામ, વડોદરા) સાથે સ્પાના માલિક શંકરસિંહ ભગતસિંહ ચુડાવત (રહે. કાન્હા ગોલ્ડ, ડભોઇ રિંગ રોડ, વડોદરા) વિરૂદ્ધ માંજલપુર પોલીસ મથકમાં IPC કલમ 188 મુજબની ફરિયાદ દાખલ કરાવડાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કાર્યવાહીમાં ધર્મેશ ભીખાભાઇ સોલંકીને ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે સંચાલક શંકરસિંહ ભગતસિંહ ચુડાવતને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઈ ડો.બી.બી. પટેલે જણાવ્યું હતું કે, અમારા દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવે છે. સ્પામાં રેડ કરી તો એક મહારાષ્ટ્રની યુવતી મળી આવી હતી. જે નોકરી કરે છે તે અંગે કોઈ પૂરાવા ન મળતા સ્પા મેનેજરની ધરપકડ કરી છે. જ્યારે માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે. એએચટીયુ દ્વારા આ મહિનામાં બીજા સ્પા સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ અગાઉ ફતેગંજ વિસ્તારમાંથી પણ યુવતી ઝડપાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. સાથે થોડાક દિવસો અગાઉ વડોદરા શહેરમાં 20થી વધુ સ્પા સેન્ટરો પર એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને સ્પા સેન્ટરોની તપાસ કરવામાં આવી હતી. જેમાં તમામ પ્રકારના દસ્તાવેજી પુરાવાઓ પણ તપાસવામાં આવ્યા હતા. અગાઉ પણ શહેરના સમા તળાવ સામે આવેલા અર્થ કોમ્પ્લેક્સમાં અમદાવાદ જેવો જ એક સ્પાનો કિસ્સો સામે આવ્યો હતો. સ્પાની આડમાં ધમધમતું કૂટણખાનું ઝડપાયું હતું. ગ્રાહક તરીકે મોકલેલા વ્યક્તિએ મિસકોલ મારતા પોલીસે રેડ કરી હતી. એક રૂમમાંથી યુવતી કઢગી હાલતમાં મળી આવી હતી. મેનેજર અને હાઉસ કીપિંગનું કામ કરતા શખસની ધરપકડ કરી સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કર્યો હતો.