વડોદરાના શો રૂમ માલિકને EV સ્કૂટર મોકલવાનું કહી મુંબઈના દંપતિએ રૂા.29.50 લાખ પડાવ્યા

ન્યૂ સમા રોડ પર શ્રીરામ ગ્રીન મોટર્સના વેપારીએ બાપોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Mumbai-couple-extorts-Rs-29-50-lakh-from-Vadodara-showroom-owner-by-asking-him-to-send-EV-scooter

વડોદરા શહેરના ન્યૂ સમા રોડ ઉપર શ્રીરામ ગ્રીન મોટર્સના નામે ધંધો કરતા વેપારીને ઈવી સ્કૂટર મોકલવાનું કહીને મુંબઈના ઠગ દંપતીએ રૂપિયા 29.50 લાખ પડાવી લીધા હતા. વારંવાર કહેવા છતાં રૂપિયા કે સ્કૂટર નહીં આપતા દંપતિ વિરુદ્ધ વેપારીએ ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર અભિલાષા ચાર રસ્તા પાસે આવેલી વિદ્યાવિહાર સોસાયટીમાં રહેતા અપૂર્વ દિનેશભાઈ પટેલે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સાગર શ્રીધર જોષી અને શ્રેયા સાગર જોષી (રહે.મુંબઈ )એ ઈ.વી.સ્કૂટર મોકલવાનું કહીને મારી પાસેથી કુલ રૂપિયા 29.50 લાખ તેમના ઑટો આઇકેર ઇનોવેશન પ્રા.લી.ના ખાતામાં અલગ-અલગ આર.ટી.જી.એસ.ના માધ્યમથી ટ્રાન્સફર કરાવડાવ્યા હતા.

મારી સાથે કરેલા કરાર મુજબ તેઓએ કોઈ ઈ.વી.સ્કૂટર મોકલ્યું નથી તથા શો રૂમ માટે નક્કી કરેલા ભાડાના કુલ રૂપિયા 5 લાખ મળી રૂપિયા રૂ.34.50 લાખ મને પરત નહીં આપી મારી સાથે છેતરપીંડી કરી છે. જેથી બાપોદ પોલીસે વેપારીની ફરિયાદના આધારે ઠગ દંપતી વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સાગર જોશીએ ગુજરાતમાં સૌથી મોટો ટીવી પ્લાન્ટ શરૂ કરવાની પણ લાલચ આપી હતી અને વધારે રૂપિયા ફરિયાદી પાસેથી ખંખેરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ફરિયાદીએ તેના માટે ના પાડી દીધી હતી. આ ઉપરાંત ફરિયાદીએ વારંવાર ફોન કરતા આરોપીઓએ ખોટા ખોટા વાયદાઓ બતાવ્યા હતા અને ઈવી સ્કૂટર મોકલ્યા ન હતા અને છેતરપિંડી આચરી હતી.

Share :

Leave a Comments