નારેશ્વર રોડ પર પૈસા બાબતે અપમાનિત કરતાં સાસુને લોખંડનો સળિયો મારી હત્યા કરી, જમાઇની ધરપકડ

બે અઠવાડિયા પહેલાં સાસુ ગુમ થયાની ફરિયાદ કરનાર જમાઇ જ હત્યારો નીકો

MailVadodara.com - Mother-in-law-killed-with-iron-rod-after-insulting-her-about-money-on-Nareshwar-Road-son-in-law-arrested

- નારેશ્વર રોડ ઉપર સાસુ-જમાઇનો પૈસા બાબતે ઝઘડો થયો હતો, ગુસ્સે થયેલા જમાઇએ સાસુને માથામાં લોખંડનો સળીયો મારી હત્યા કરી હતી

કરજણ તાલુકાના નારેશ્વર રોડ ઉપર બે અઠવાડિયા પહેલાં સાસુના માથામાં લોખંડનો સળીયો મારી મોતને ઘાટ ઉતારી દેનાર જમાઇની પોલીસે ધરપકડ કરી છે. જમાઇને સાસુની હત્યા ઉપર પડદો પાડવા વડોદરા આવી પાણીગેટ પોલીસ મથકમાં ગુમ થયાની અરજી આપી હતી. બીજીબાજુ કરજણ પોલીસે નારેશ્વર પાસેથી અજાણી મહિલાની હત્યા થઇ હોવા છતાં, અકસ્માતનો ગુનો દાખલ કરી કેસ ફાઇલ કરી દીધો હતો. જોકે, ઝડપાયેલા હત્યારાએ પોલીસ પૂછપરછમાં સાસુ પૈસા બાબતે અપમાનીત કરતી હોવાથી હત્યા કરી હોવાની ચોંકાવનારી કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ચોંકાવનારી વિગતો બાદ કરજણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


આ બનાવની વિગતો આપતા પાણીગેટ પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. બી.એન. મોરીએ જણાવ્યું હતું કે, શહેરના વાઘોડિયા ચોકડી પાસે 302, શ્રી શ્રીજી દ્વાર ફ્લેટમાં એકલા રહેતા ઇન્દુબહેન રમણભાઇ ચૌહાણે (ઉં.વ.65) નર્મદા નદીમાં સ્નાન કરવા માટેની માનતા રાખી હતી. આથી, મૂળ આણંદ જિલ્લાના અડાસ ગામનો વતની અને નોકરી અર્થે હાલોલ તાલુકાના વાવ ગામ પાસે આવેલી હેરીજેઝ એન્ટરપ્રાઇઝ કંપનીમાં રહેતો જમાઇ વિરલ ઉર્ફ લાલો અરવિંદભાઇ છાપરીયા તા.14-4-023ના મધરાત્રે 3-30 વાગે સાસુને પોતાની મોપેડ ઉપર બેસાડી કરજણ તાલુકાના નારેશ્વર નર્મદા નદીમાં નાહવા માટે લઇને નીકળ્યો હતો. આ દરમિયાન નારેશ્વર રોડ ઉપર સાસુએ પૈસા બાબતે ઝઘડો કરી અપમાનીત કરતા રોષે ભરાયેલા જમાઇએ માથામાં લોખંડનો સળીયો મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને તે પોતાના ઘરે જતો રહ્યો હતો.

જોકે, જમાઇ વિરલ ઉર્ફ લાલો છાપરીયાએ સાસુની હત્યા કરવા માટે બનાવેલા પ્લાન મુજબ તા. 7-5-2023ના રોજ પાણીગેટ પોલીસ મથકમાં સાસુ ઇન્દુબહેન ચૌહાણ ગૂમ થયાની અરજી આપી હતી. જે અરજીના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, અવાર-નવાર જમાઇ વિરલ ઉર્ફ લાલો છાપરીયા સાસુના ઘરે વડોદરા આવતો હતો અને પૈસા માંગતો હતો. આથી સાસુ જમાઇ વિરલને કહેતા હતા કે, "મારી છોકરીને તો તું સારી રીતે રાખતો નથી, અને પૈસા લઇ ગયા પછી પરત પણ કરતા નથી" તેવા મ્હેણાં-ટોણાં મારતા હોવાથી જમાઇને સાસુ પ્રત્યે નફરત થઇ ગઇ હતી.

ઇન્ચાર્જ પી.આઇ.એ વધુમાં જણાવ્યું કે, સાસુ ઇન્દુબહેન ચૌહાણની ગુમ થયાની અરજી આપનાર જમાઇ વિરલ ઉર્ફ લાલો છાપરીયા અંગેની વિગતો મળતા અને તેની પૂછપરછ કરતા તેના નિવેદનો પણ શંકાસ્પદ જણાતા તેના હાલોલ તાલુકાના વાવ ગામ પાસે આવેલી કંપનીના રહેણાંક સ્થળેથી ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ કડકાઇથી પૂછપરછ કરતા તેણે નારેશ્વર રોડ ઉપર સાસુ ઇન્દુબહેન ચૌહાણની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.


હત્યા કેવી રીતે કરી તે અંગે પણ તેણે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, સાસુની નારેશ્વર નર્મદા નદીમાં નાહવા માટેની છેલ્લી માનતા બાકી રહી ગઇ હતી. તે માનતા પૂરી કરાવવા માટે તા.14-4-023ના રોજ મધરાત્રે મોપેડ ઉપર લઇને નીકળ્યો હતો. નારેશ્વર રોડ ઉપર સાસુને પાણીની તરસ લાગતા રોડ ઉપર સાસુને બેસાડ્યા હતા અને પાણી આપ્યું હતું. પાણી પીતા-પીતા સાસુએ પુનઃ પૈસા માટે ઝઘડો કર્યો હતો. જેથી તેઓના ઉપર ગુસ્સો આવ્યો હતો. સાસુ પાણી પી રહ્યા હતા. તેજ સમયે લોખંડનો સળીયો તેમના માથામાં મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. અને સાસુ મરી ગયા બાદ ઘરે આવી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, નારેશ્વર રોડ ઉપર અજાણી મહિલાનો મૃતદેહ હોવાની જાણ કરજણના કંડારી પોલીસને થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. અને લાશનો કબજો લઇ પોષ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોષ્ટમોર્ટમના રિપોર્ટની રાહ જોયા વગર અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો. અને વાલી વારસ ન મળતા નિયમ મુજબ પાંચમાં દિવસે લાશનો નિકાલ કરી દીધો હતો.

Share :

Leave a Comments