વડોદરામાં મોડી રાત્રે માતાનું મૃત્યું થયું, દીકરીએ સવારે ધો.10ની પરીક્ષા આપી, અંતિમ વિદાય ન આપી શકી

એક તરફ પરીક્ષા અને બીજી તરફ માતાનું મૃત્યું થતાં ખુશી આઘાતમાં સરી પડી હતી

MailVadodara.com - Mother-dies-late-night-in-Vadodara-daughter-takes-class-10th-exam-in-morning-cant-bid-farewel

- એક તરફ ખુશીએ પરીક્ષા આપી અને બીજી તરફ તેની માતાના અંતિમ સંસ્કાર કરાયા, ખુશીની હિંમતને જોઈને પરિવારજનો પણ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા

- દીકરીને અંતિમ ક્રિયામાં ન જવા દેતા ખુશીની ફોઈએ મેયર સમક્ષ નારાજગી દર્શાવી


સમગ્ર રાજ્યમાં આજથી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે વડોદરાના દંતેશ્વરમાં અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં માતાના મૃત્યુ બાદ દીકરી પરીક્ષા આપવા માટે બરોડા હાઇસ્કૂલ ONGC ખાતે પહોંચી ગઈ હતી અને માતાના મૃત્યુના આઘાત વચ્ચે પરીક્ષા આપી હતી. પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થિની ખુશી પાટકરે જણાવ્યું હતું કે, પેપર સારું ગયું છે.

વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલા અનુપમનગર રહેતી ખુશી પાટકરના આજથી ધો.10 પરીક્ષા શરૂ થઈ છે. જોકે, પરીક્ષા શરૂ થાય તે પહેલા જ ગઈકાલે મોડી રાત્રે ખુશીની માતા ભારતીબેનનું મૃત્યું થયું હતું. એક તરફ પરીક્ષા અને બીજી તરફ માતાનું મૃત્યું થતાં ખુશી આઘાતમાં સરી પડી હતી. આજે સવારે ખુશીની માતાના સંસ્કાર કરવાના હતા. તેમ છતાં ખુશી પરીક્ષા આપવા માટે બરોડા હાઇસ્કૂલ ONGC ખાતે પહોંચી હતી અને માતાના મૃત્યુના આઘાત વચ્ચે પરીક્ષા આપી હતી. એક તરફ ખુશી પરીક્ષા આપી રહી હતી અને બીજી તરફ તેની માતા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આમ ખુશી માતાને અંતિમ વિદાય આપી શકી નહોતી.


ખુશીની હિંમતને જોઈને પરિવારજનો તેને પરીક્ષા કેન્દ્ર સુધી મુકવા પણ આવ્યા હતા. બીજી તરફ આ ઘટના અંગે વડોદરાના મેયર મેયર નિલેશ રાઠોડને જાણ થતાં તેઓ પણ તાત્કાલિક દીકરી ખુશી અને તેના પરિવારને મળવા દોડી ગયા હતા. જ્યાં મેયર દ્વારા પરિવારજનો અને ખુશીને આશ્વાસન આપવામાં આવ્યું હતું. ખુશીની ફોઈએ દીકરીને અંતિમ ક્રિયામાં ન જવા દેવા બાબતે મેયર સમક્ષ નારાજગી પણ વ્યક્ત કરી હતી.


વિદ્યાર્થિનીના ફોઈ દિપીકાબેન ઉત્તેકરે જણાવ્યું હતું કે, ગઈકાલે મારા ભાભીનું મોત થયું હતું અને આજે તેમની દીકરીને બોર્ડની પરીક્ષા છે. જેથી અમે તેને બોર્ડની પરીક્ષા આપવા માટે તૈયાર કરી હતી. આ બાબતે તે પણ સહમત થઈ હતી. તે પેપર લખવા પણ તૈયાર થઈ હતી. જેથી તેને આજે અમે પરીક્ષા કેન્દ્ર પર લઈને આવ્યા છીએ. તેની માતાને ટીબી હોવાથી તેમનું મોત નીપજ્યું હતું. જે અંગે દીકરીને જાણ થયા હોવા છતાં તે પેપર આપવા ઈચ્છતી હોવાથી અંતિમક્રિયા પણ રોકી રાખવામાં આવી હતી અને નોડેલ ઓફિસરને અમે રજૂઆતને કરી હતી કે, પોલીસને સાથે રાખીને વિદ્યાર્થિનીને મોકલો અને અંતિમ સંસ્કાર કરાવીને પાછી લઈ આવીશું, જોકે, નોડેલે ના પાડી દીધી હતી. બીજી તરફ વિદ્યાર્થિનીએ પણ જવાની પાડી દીધી હતી અને પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો.

ખુશીના પિતા છૂટક મજૂરી કામ કરે છે અને માતા ગૃહિણી હતા અને લોકોના ઘરે જઈને કામ કરતા હતા. ખુશીને 3 વર્ષની એક બહેન પણ છે, જેનું નામ માહી છે. માતાની ખુશીને સારું શિક્ષણ અપાવવાની ઈચ્છા હતી. ખુશીને ITI કરીને કોમ્પ્યુટરમાં માસ્ટરી કરવાની ઈચ્છા છે. ખુશી દંતેશ્વર ગામમાં આવેલ સરસ્વતી વિદ્યાલયમાં ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરે છે.

Share :

Leave a Comments