- મા-દીકરીના સંકજામાં આવી ગયેલા તસ્કરે છૂટવા ધમપછાડા કર્યા, તસ્કરે ચાકૂ બતાવી મા-દીકરીને કહ્યું, છોડદો વરના માર ડાલુંગા, તસ્કર હુમલો અને લૂંટ ચલાવી ભાગતા બંનેએ બુમરાણ મચાવી
- ઇજાગ્રસ્ત મહિલાને માથામાં 7 ટાંકા આવ્યા, સ્થાનિકોએ એક શકમંદ તસ્કરને ઝડપી મેથીપાક ચખાડ્યો, પકડાયેલા શકમંદે લોકોને કહ્યું, હું ચોર નથી, તક્ષ કોમ્પ્લેક્ષમાં કામ માટે આવ્યો હતો
શહેરના મનીષા ચાર રસ્તાથી વાસણા તરફ જવાના માર્ગ પર આવેલા તક્ષ કોમ્પલેક્ષમાં રહેતા શુક્લા પરિવારના ઘરમાં મોડી સાંજે તસ્કર ઘૂસી ગયો હતો. ઘરમાં ઘૂસી આવેલા તસ્કર ઉપર મહિલાની નજર પડતા તેણે બુમરાણ મચાવી મૂકી હતી. દરમિયાન દીકરી દોડી આવી હતી અને તસ્કરનો હાથ પકડી લીધો હતો. મા-દીકરીના સંકજામાં આવી ગયેલા તસ્કરે કહ્યું "છોડદો વરના માર ડાલુંગા" તેમ જણાવી મા-દીકરી ઉપર હુમલો કરી ચાંદીની થાળીની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેઓને માથામાં 7 ટાંકા આવ્યા છે. બીજી બાજુ આ બનાવમાં દોડી આવેલા સ્થાનિક લોકોએ એક શકમંદ તસ્કરને ઝડપી પાડી મેથીપાક ચખાડી પોલીસ હવાલે કર્યો હતો. આ બનાવે વિસ્તારમાં સનસનાટી મચાવી મૂકી હતી.
સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવની વિગત એવી છે કે, શહેરના મનીષા ચાર રસ્તાથી વાસણા ભાયલી રોડ પર તક્ષ કોમ્પ્લેક્ષ આવેલો છે. આ કોમ્પ્લેક્ષના બીજા માળે મકાન નંબર 202માં શુક્લા પરિવારના શિવરામભાઇ શુક્લા, 53 વર્ષિય સુમિત્રાબેન શીવરામ શુક્લા અને દીકરી નિશા (ઉ.વ.32) રહે છે. શિવરામભાઇ શુક્લ ટ્રાન્સફર બનાવવાનો વ્યવસાય કરે છે. તેમનો મોટો દીકરો વિપીન પુના ખાતે નોકરી કરે છે. નિશા બંગ્લોરની કંપનીમાં નોકરી કરે છે. અને માતા-પિતા સાથે રહીને વર્કફોર્મ હોમ નોકરી કરે છે. મોડી સાંજે આ શુક્લા પરિવારના ચોરી કરવા ઘૂસેલા તસ્કરે મા-દીકરી ઉપર હુમલો કરી ચાંદીની થાળી સહિતનો સામાન લૂંટી ફરાર થઇ ગયો હતો.
આ બનાવ અંગે સુમિત્રાબહેન શુક્લાએ જે.પી રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, મોડી સાંજના 8 વાગ્યાના સુમારે સુમિત્રાબહેન ઘરના બેડરૂમમાં રાખેલ મંદિરમાં પૂજા કરતા હતા. ત્યારે ઘરની લાઇટ ન હતી. જેથી તેઓ દિવાની થાળી લઈને ઘરના બેઠક ખંડમા ગયા હતા. તે સમયે તેઓએ એક અજાણ્યા વ્યક્તિને જોતા ચોંકી ઉઠ્યા હતા. અજાણી વ્યક્તિ ડાઇનીંગ ટેબલ ઉપર મૂકેલી ચાંદીની થાળી ચોરી રહ્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તસ્કરની નજર સુમિત્રાબહેન ઉપર પડતાં તે તેમની તરફ ઘસી ગયો હતો. અને તેઓનું ગળું પકડી લીધું હતું. અને બાજુના શો-કેસ પર પડેલ માટીની વજનદાર લાફીંગ બુધ્ધાની મુર્તીથી તેઓના માથામાં હુમલો કરી દીધો હતો. માથામાં બુધ્ધાની મૂર્તિ વાગતા જ તેઓ લોહીલૂહાણ થઇ ગયા હતા અને બુમરાણ મચાવી મૂકી હતી. માતાની બુમો સાંભળી દીકરી નિશા બેઠક ખંડમાં દોડી આવી હતી. જોકે, તે પહેલાં તસ્કરે પોતાની કમરમાંથી ચાકૂ કાઢી હુમલાનો પ્રયાસ કરતા નિશાએ તેનો હાથ પકડી લીધો હતો. તે સાથે ઇજાગ્રસ્ત સુમિત્રાબહેને પણ તસ્કરને પકડી લીધો હતો. મા-દીકરીના સંકજામાં આવી ગયેલા તસ્કરે છૂટવા માટે ધમપછાડા કર્યા હતા અને ઝપાઝપી કરી હતી.
માં-દીકરીના સંકજામાં આવી ગયેલા તસ્કરે કહ્યું, "છોડદો વરના માર ડાલુંગા" કહી સુમિત્રાબહેન ઉપર ચાકૂથી હુમલો કરી દીધો હતો. તસ્કરે ચાકૂથી હુમલો કરતા જ સુમિત્રાબહેને તસ્કરના ખભા ઉપર બચકું ભરતા તસ્કર તેઓને ધક્કો મારી ફરાર થઇ ગયો હતો. તસ્કર હુમલો અને લૂંટ ચલાવી ભાગતા મા-દીકરીએ બુમરાણ મચાવી મૂકી હતી. મા-દીકરીની બુમો સાંભળી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. તે સાથે ટેરેસ ઉપર વોકીંગ કરી રહેલા સુમિત્રાબહેનના પતિ શિવરામભાઇ શુક્લા દોડી આવ્યા હતા.
માં-દીકરીની બુમરાણ સાંભળતા જ કોમ્પ્લેક્ષના લોકો અને કોમ્પ્લેક્ષ સ્થિત દુકાનદારો એલર્ટ થઇ ગયા હતા. અને ભાગી રહેલા તસ્કરને દબોચી લીધો હતો. સ્થાનિક લોકોએ પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રાજાદાસ નબાદાસ (રહે. વાસણા રોડ) નો હોવાનું જણાવ્યું હતું. જોકે, તસ્કર સમજીને ઝડપી પાડવામાં આવેલા રાજાદાસે પોતે ચોર ન હોવાનું લોકોને જણાવ્યું હતું. તેણે લોકોને જણાવ્યું કે, તે તક્ષ કોમ્પ્લેક્ષમાં કામ માટે આવ્યો હતો.
જોકે, આ બનાવની જામ જે.પી. રોડ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવતા પોલીસે શંકાસ્પદ ચોર રાજાદાસની અટકાયત કરી પોલીસ મથકમાં લઇ ગઇ હતી. તે સાથે પોલીસે સ્થળ ઉપરથી એક ધારદાર ચાકૂ પણ કબજે કર્યું હતું. આ બનાવને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા. પોલીસે ઇજાગ્રસ્ત સુમિત્રાબહેન અને માતાની સારવારમાં રોકાયેલી દીકરીના નિશા દ્વારા આરોપીની ઓળખ કરાયા બાદ પોલીસે દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે શકમંદ આરોપીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.