- રોષે ભરાયેલા લોકોએ ડ્રાઇવર અને ક્લિનરને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યા, લોકોએ આઇશર ટેમ્પોના કાચ પણ તોડી નાંખ્યા
- વારંવાર અકસ્માતો થતાં હોવાથી ટ્રાફિક સિગ્નલ કે, પછી સ્પીડ બ્રેકર મૂકવા માંગ
ડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર ચાર રસ્તા પાસે ગત મોડી સાંજે આઇશર ટેમ્પોની અડફેટે 10 વર્ષના બાળકનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે બાળકની માતા ઇજાગ્રસ્ત થઈ હતી. જેના પગલે રોષે ભરાયેલા લોકોએ આઇશર ટેમ્પોમાં તોડફોડ કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ ગોરવા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શહેરના ગોરવામાં આવેલા મધુનગર વિસ્તારમાં રહેતા સિકંદરભાઇ પઠાણના પત્ની બે પુત્રો સાથે કમાટીબાગ ફરવા ગયા હતા.ત્યાંથી રીક્ષામાં બેસીને સાંજે સાડા સાત વાગ્યે તેઓ ઘરે પરત આવતા હતા. મધુનગર પાસે રીક્ષા ઉભી રાખી ત્રણેય રીક્ષામાંથી ઉતરી ઘર તરફ જતા હતા. તેઓ રોડ ઓળંગતા હતા. આ દરમિયાન ગોરવાથી મધુનગર થઇ છાણી જતા એક આઇશર ટેમ્પોના ચાલકે 10 વર્ષના મોહંમદ આતિક નામના બાળકને અડફેટે લેતા તેના પર આઇસર ટેમ્પાનું વ્હીલ ચડી જતાં તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું જ્યારે બાળકની માતાને પગના ભાગે ઇજા થઇ હતી. અકસ્માતની જાણ થતા આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા.અને ટેમ્પાના ચાલક તથા ક્લિનરને પકડી મેથીપાક ચખાડયો હતો. રોષે ભરાયેલા લોકોએ રોડ પર ચક્કાજામ કરી દીધો હતો. માતાની નજર સામે જ માસૂમ પુત્રનું મોત થતા તેઓ શોકાતૂર થઇને રોડ પર જ બેસી ગયા હતા. અકસ્માતમાં 10 વર્ષના સગીરનું મોત થતાં તેના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ એસીપી અને પીઆઈ.સહિત ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને પોલીસે સ્થળ પર જઇને લોકોને સમજાવી મામલો થાળે પાડયો હતો. આઇશર ટેમ્પોના ચાલકની અટકાયત કરી હતી અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, મધુનગર ચાર રસ્તા પાસે વારંવાર અકસ્માતો થતાં હોવાથી ટ્રાફિક સિગ્નલ કે, પછી સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા ઘણા સમયથી કરવામાં આવતી હતી. જો સત્વરે અહીં સ્પીડ બ્રેકર કે પછી ટ્રાફિક સિગ્નલ લાઈટ મૂકવામાં આવે તો આવનારા દિવસોમાં અનેક લોકોના જીવ બચી શકશે. આજે થયેલા બાળકના મોતના કારણે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને લોકોએ આઇશર ટેમ્પોમાં તોડફોડ કરી હતી.