પાદરાના ધોબીકૂવા ગામની સીમમાં તાર પર કપડાં સૂકવતી વખતે માતા-દીકરીને કરંટ લાગતા મોત

માતા અને દીકરીના સાથે અંતિમ સંસ્કાર કરાતા લોકોમાં ગમગીની ફેલાઇ

MailVadodara.com - Mother-and-daughter-electrocuted-while-drying-clothes-on-a-wire-near-Dhobikuwa-village-in-Padra

- વીજ કરંટથી ગંભીર રીતે દાઝી જતા માતા-દીકરીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન પાંચ મિનિટના અંતરમાં જ મોત નિપજ્યા

પાદરા તાલુકાના ધોબીકૂવા ગામની સીમમાં રહેતા અને ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારમાં માતા-દીકરીને વીજ કરંટ લાગતા મોત નિપજ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પાંચ મિનિટના અંતરમાં જ માતા-દીકરીના મોત નિપજ્યા હતા. માતા-દીકરીના સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવતા પરિવારજનો અને સમાજના લોકોમાં ગમગીની ફેલાઇ ગઇ હતી.

મળેલી માહિતી પ્રમાણે ધોબીકૂવા ગામની સીમમાં છત્રસિંહ ભારતસિંહ પઢીયાર પત્ની ઉષાબહેન છત્રસિંહ પઢીયાર (ઉં.વ.39) અને દીકરી નયનાબહેન પઢીયાર (ઉં.વ.19) સહિત ચાર વ્યક્તિ રહે છે. છત્રસિંહ પઢીયાર ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જ્યારે પરિવારના અન્ય સભ્યો ખેત મજૂરી અને પશુપાલનનું કામ કરી પરિવારમાં મદદરૂપ થાય છે.

સોમવારે સવારે છત્રસિંહ પઢીયાર નોકરી ગયા હતા. નાની દીકરી બાજુના ઘરમાં ગઇ હતી. જ્યારે ઉષાબહેન અને તેમની દીકરી નયનાબહેન ઘરની બહાર બેસીને કપડાં ધોઇ રહ્યા હતા. માતા ઉષાબહેન કપડાં ધોતા હતા અને દીકરી નયના ધોયેલા કપડાં બાંધેલા તાર ઉપર સૂકવી રહી હતી.

હાલ ચોમાસાની મોસમ હોઇ ભેજવાળું વાતાવરણ હોવાના કારણે તાર ઉપર વીજ કરંટ ઉતર્યો હતો. નયનાબહેન ધોયેલા કપડાં તાર ઉપર સૂકવવા જતાં જ તાર સાથે કપડાં ધોઇ રહેલી માતા ઉષાબહેન પડી હતી. જેથી ઉષાબહેનને પણ પેટના ભાગે કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા જ માતા-દીકરીએ મરણ ચીસ પાડતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ગંભીર રીતે દાઝી ગયેલી માતા-દીકરીને પ્રથમ મહુવડ ચોકડી પાસેની હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બપોરે 2.20 કલાકે ઉષાબહેનનું મોત નીપજ્યું હતું. અને 2.25 કલાકે દીકરી નયનાનું મોત નિપજ્યું હતું.

માતા-દીકરીનું પાંચ મિનિટના અંતરમાં જ મોત નિપજતા પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. દરમિયાન આ બનાવ અંગેની જાણ વડુ પોલીસને કરવામાં આવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ મહેશભાઇ કાનજીભાઇ સ્ટાફ સાથે પહોંચી ગયા હતા. અને પ્રાથમિક વિગતો મેળવી મૃતદેહોનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

માતા-દીકરીના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા હતા. પરિવારજનો દ્વારા એક સાથેજ માતા-દીકરીની અંતિમ યાત્રા કાઢી અંતિમ સંસ્કાર કર્યા હતા. ઘર આંગણેથી માતા-દીકરીની સાથે અંતિમ યાત્રા નીકળતા અરેરાટી વ્યાપી ગઇ હતી. ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગે વડુ પોલીસે અકસ્માતે મોતના કાગળો તૈયાર કરી કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments