શહેરમાં એક તરફ નવરાત્રી ચાલી રહી છે શહેરના લોકો ગરબા રમવા અને ગરબા નિહાળવા વિવિધ ગરબા મેદાનોમાં પોતાના મકાનોને તાળાં મારી જતાં હોય છે. કેટલાક લોકો સબંધીઓને ત્યાં જાય છે. પોલીસ પણ ગરબા બંદોબસ્તમાં વ્યસ્ત હોય આવી તકનો લાભ લઇ છેલ્લા ત્રણ-ચાર દિવસોથી તસ્કર ટોળકી શહેરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપી રહી છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં હથિયાર સાથે તસ્કરો આવતા હોવાની વાતો સંભળાઇ હતી. અહીં અલકાપુરી જેવા પોશ અને સુરક્ષિત કહી શકાય તેવા વિસ્તારમાં આવેલા ‘સેન્ટર પોઇન્ટ્સ એસોશિએશન’ ખાતેની 13 જેટલી ઓફિસોના તાળા ગતરાત્રે તસ્કરોએ તોડ્યા હતા. અહીં ઓફિસમાં રોકડ રકમ ચોરાઈ છે તથા કુલ કેટલાની ચોરી કરી ગયા છે તસ્કરો તથા અન્ય શું સામાન ચોરાયો છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં સુરક્ષા ગાર્ડ પણ છે અને સુરક્ષા કર્મીઓની બેદરકારી સામે આવી છે. પ્રથમમાળે જાળીઓ બંધ કરવાનું ભૂલી જતાં અહીં તસ્કરોને જાણે મોકળું મેદાન મળી ગયું હતું. તસ્કરો એક કરતા વધુ સંખ્યામાં હોવાનો અંદાજ છે. હજી તો શિયાળાની શરૂઆત થઇ નથી ત્યાં તો તસ્કરોએ શહેરમાં આતંક મચાવી દીધો છે. પોલીસ વિભાગ શહેરમાં પ્રવેશતા હાઇવેથી અંદરના માર્ગોમા ચોકસાઇ વધારે, પેટ્રોલીંગ વધારે તો ચોરી લૂંટફાટના બનાવો મહદઅંશે અંકુશમાં આવે.