- બેન્કિંગ, હેલ્થ, ઈન્સ્યોરન્સ અને માર્કેટિંગ સેક્ટરની 18થી વધુ કંપનીઓએ વિવિધ પોસ્ટ માટે વિદ્યાર્થીઓને વાર્ષિક 1.8 લાખથી 9 લાખ સુધીની જોબ ઓફર થઇ
- જોબફેરમાં 1600થી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું, 1119ના ઈન્ટરવ્યુ કરાયાં
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આવેલ કોમર્સ ફેકલ્ટી ખાતે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્લેસમેન્ટ ફેર-2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્લેસમેન્ટ ફેરમાં 600થી વધુ વિધાર્થીઓને બેન્કિંગ, હેલ્થ, ઈન્સ્યોરન્સ, ફાયનાન્સ, સર્વિસ રિટેલ અને માર્કેટિંગ સેક્ટરની 18થી વધુ કંપનીઓએ વિવિધ 1000થી વધુ પોસ્ટ માટે વાર્ષિક 1.8 લાખથી 9 લાખ સુધીની જોબ ઓફર કરી છે.
આ વખતના પ્લેસમેન્ટ ફેરની વિશેષતાએ રહી કે, જે-તે જોબ માટેની શૈક્ષણિક લાયકાત કરતા ટેકનિકલ અને પ્રેક્ટિકલ નોલેજ પર વિશેષ ભાર મૂકીને પસંદગી કરાઈ હતી. રાજ્યના શિક્ષણ વિભાગ KCG (નોલેજ કોન્સોર્ટિમ ઓફ ગુજરાત) દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં કોમેર્સ ફેકલ્ટીના યજમાન પદે ઝોન-3 નોડ-1 પ્લેસમેન્ટ ફેર આયોજિત કરાયો હતો.
રોજગારલક્ષી કાર્યક્રમમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી નોડલ સેન્ટર હતી, જેમાં 12 કોલેજોનો સમાવેશ હતો. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, બી.બી.એ, એમ.બી.એ કોલેજોમાં ફાઈનલ યરમાં અભ્યાસ કરતા 1600થી વધુ જેટલા વિધાર્થીઓએ ફેરમાં રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. જે પૈકી 733 વિધાર્થી જોબ ફેરમાં હાજર રહ્યા હતાં.
આ સાથે વિવિધ ક્ષેત્રમાં બેન્કિંગ, હેલ્થ, ઈન્સ્યોરન્સ, ફાઈનાન્સ, સર્વિસ, રીટેઈલ, માર્કેટિંગ સેકટરમાં કુલ મળીને 1,119 વિધાર્થીઓનું ઈન્ટરવ્યુ કરવામાં આવ્યા હતા, જેમાંથી 670ને જોબ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. પ્લેસમેન્ટ સ્થળે હાજર કંપનીના અધિકારીઓએ વિધાર્થીઓ યોગ્યતા સહિતનાં પાસાઓની ચકાસણી કરીને જોબ ઓફર કરી હતી.