- એડમિશનનું પોર્ટલ સાંજે 5 વાગે ખૂલતું હોવા છતાં આઈટીઆઈના તંત્રએ વિદ્યાર્થીઓને વહેલી સવારે છ વાગ્યાથી કેમ બોલાવ્યા તે એક સવાલ છે
- આઇટીઆઇના શિક્ષકોને અંદાજ નહોતો કે, એડમિશન માટે પહેલા દિવસે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવશે : મેયર
- પાણી અને ભૂખથી તરફડતા વિદ્યાર્થી-વાલીઓ માટે ચા પાણી- નાસ્તાની વ્યવસ્થા કરાઈ: સંકુલના કુલરમાંથી પાણીના નળ ગાયબ હતા
વડોદરા શહેરની તરસાલી આઈટીઆઈ ખાતે એડમિશન બાબતે પોર્ટલ સાંજે 5 વાગે ખૂલતું હોવા છતાં તંત્ર દ્વારા સવારે છ વાગ્યાથી વિદ્યાર્થીઓને બોલાવી લેવાયા હતા. પાણી સહિત નાસ્તાની કોઈ વ્યવસ્થા નહીં હોવાથી વહેલી સવારથી લાઈનમાં ઉભેલા 500થી વધુ વિદ્યાર્થીઓને રાતના 11.30 વાગ્યા સુધી લાઇનમાં ઊભું રહેવું પડ્યું હતું. છતાં તેમનો નંબર આવ્યો ન હતો. જેને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
આધારભૂત સૂત્રોએ જણાવેલી વિગત એવી છે કે, વડોદરાની તરસાલી આઈટીઆઈ ખાતે વિદ્યાર્થીઓને એડમિશન બાબતે ફોર્મ ભરવા અને એની ચકાસણી માટે સવારે 6 વાગ્યાથી બોલાવી લેવાયા હતા. શહેર સહિત આસપાસના ગામડાઓમાંથી આશરે 500 જેટલા વિદ્યાર્થીઓ વાલીઓ સાથે આવી નિયત સમયે લાઈનમાં ઊભા રહી ગયા હતા. સમય વ્યતીત થવા છતાં વિદ્યાર્થીઓના એડમિશન બાબતે કોઈ કાર્યવાહી શરૂ થઈ ન હતી. નામે કેટલાક વિદ્યાર્થીઓએ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આઈટીઆઈનું પોર્ટલ સાંજે 5 વાગે ખુલે છે. બાદ જ એડમિશનની પ્રક્રિયા અને ફોર્મની ચકાસણી થશે.
જો કે આઈટીઆઈના કેમ્પસમાં પેશાબ પાણી માટે કોઈ વ્યવસ્થા હતી નહીં ઉપરાંત વોટર કુલરમાં પણ નળ ન હતા જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પાણી સહિત નાસ્તાની કોઈ વ્યવસ્થા નહીં હોવાથી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ દરમિયાન ઘટનાની જાણ થતાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો આઈટીઆઈ કેમ્પસમાં પહોંચી ગયા હતા. જ્યાં તપાસ કરતા પ્રિન્સિપાલ ઉપસ્થિત ન હતા અને કામકાજ અંગે ગાંધીનગર ગયા હોવાની જાણ થઈ હતી જ્યારે બીજી બાજુ એમની અવેજીમાં કોણ છે એવું પૂછતા કાંઈ યોગ્ય પ્રત્યુતર મળ્યો ન હતો. જોકે વિદ્યાર્થીઓને પૂછતા પાણી અને નાસ્તા વિના વાલીઓ સહિત વિદ્યાર્થીઓ તડપી રહ્યા હોવાનું ઉપસ્થિત સૌ કોઈએ જણાવ્યું હતું. જેથી એબીવીપીના નેતાઓ સહિત કાર્યકરો દ્વારા તાત્કાલિક ધોરણે પીવાના પાણીની અને નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી. આ બાબતની જાણ થતાં જ શહેરના મેયર નિલેશ રાઠોડ સહિત અન્ય પદાધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વિદ્યાર્થીઓની સમસ્યા ઉકેલવા તત્કાલ ધોરણે આઈટીઆઈ સ્ટાફને જણાવ્યું હતું.
વડોદરા શહેરના મેયર નિલેષ રાઠોડે જણાવ્યું હતું કે, આઇટીઆઇના શિક્ષકોને અંદાજ નહોતો કે, એડમિશન માટે પહેલા દિવસે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવશે. વહેલા તે પહેલાના ધોરણે એડમિશન આપીને તુરંત જ લિસ્ટ બહાર પાડવાનું હતું. જો કે, વિદ્યાર્થીઓએ પહેલા દિવસે જ ધસારો કર્યો હતો. જેથી વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી વિદ્યાર્થીઓને રાહ જોવી પડી હતી. વિદ્યાર્થીઓ માટે પાણી સહિતની વ્યવસ્થાઓ કરવી જોઇએ.
અહીં સૌથી મોટો સવાલ એ છે કે, આઈટીઆઈનું પોર્ટલ સાંજે 5.00 વાગે ખુલતું છતાં વિદ્યાર્થીઓને એડમિશન માટે વહેલી સવારથી કેમ બોલાવવામાં આવ્યા એ ચર્ચાનો વિષય બન્યો છે.