- બંસીધર ડેરીમાં દરોડો પાડતાં જ સંચાલકો અને કામ કરતા કર્મચારીઓ ચોંકી ઉઠ્યા
શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી એક ખાનગી ડેરીમાં પાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત દરોડા પાડી શંકાસ્પદ ડુપ્લીકેટ 100 કિલો ઘીનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલિકા આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જથ્થો સીઝ કરી નમૂના લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
શહેરના લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે વધુ એક વખત પોલીસ અને પાલિકાની ટીમો સાથે મળીને કાર્યવાહી શરૂ કરી છે. આજે સવારે ગોત્રી પોલીસ અને પાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી વિભાગની ટીમો દ્વારા ગોત્રી વિસ્તારમાં રામેશ્વર સ્કૂલ પાસે આવેલી બંસીધર ડેરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન ડેરીમાંથી શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. આ ઘીનો જથ્થો ઘરમાં સંતાડીને રાખવામાં આવ્યો હતો.
પાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી વિભાગની ટીમ સાથે પોલીસે બંસીધર ડેરીમાં દરોડો પાડતાં જ સંચાલકો અને ડેરીમાં કામ કરતા કર્મચારીઓ ચોંકી ઉઠ્યા હતા. ટીમો દ્વારા તપાસ કરતાં ઘીનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. આ ઘીમાં કંઇ ચીજવસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો તે અંગેની હજુ સુધી કોઇ માહિતી મળી નથી. જોકે, રિપોર્ટ આવ્યા બાદ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. ગોત્રી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ડેરીમાં વિસ્તારના લોકો દૂધ, ઘી સહિત વિવિધ ચીજવસ્તુઓ ખરીદતા હતા. આજે આ ડેરીમાંથી શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીનો જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઇ હતી.
મળતી માહિતી પ્રમાણે બંસીધર ડેરીના સંચાલકો દ્વારા લાયસન્સ વગર વેપાર કરવામાં આવતો હોવાનું પણ હાલની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. બંસીધર ડેરીના સંચાલક રાજકીય વગ ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે. કેટલાંક રાજકીય અગ્રણીઓ મદદ માટે દોડધામ કરી મૂકી હોવાનું જાણવા મળ્યું હતું.