- જિલ્લાનો સૌથી વધુ વરસાદ વડોદરા તાલુકામાં અને છેલ્લા 24 કલાકમાં વાઘોડિયા ખાતે એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો
મેઘાના છેલ્લા રાઉન્ડથી ઠેરઠેર મેઘ મહેરના કારણે ખેડૂતો ઝુમી ઉઠ્યા છે. બીજી બાજુ શહેરીજનો પર બે માસની પાણીનું સંકટ આજવાની સપાટી 211.60 ફૂટે પહોંચતા ટળી ગયું છે, જ્યારે વિશ્વામિત્રી નદીની સપાટી ત્રીજીવાર 12 ફૂટે પહોંચતા બે કાંઠે જોવા મળી હતી. કાલાઘોડા બ્રિજ નીચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પૂરના પાણી જોવા લોકો ઉમટ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ માસમાં વરસાદ ખેંચાતા અને સમગ્ર માસ દરમિયાન ક્યાંય વરસાદ નહીં પડતા ખેડૂતોના જીવ ઉંચા થયા હતા અને ઉભા પાકને બચાવવા માટે પ્રભુ પ્રાર્થના કરતા હતા. એવા ટાણે સપ્ટેમ્બર મહિનાના પ્રારંભથી જ વરસાદ ફરી એકવાર મન મૂકીને વરસવાનો શરૂ થતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી હતી.
જ્યારે શહેરીજનો પર આગામી વર્ષે છેલ્લા બે મહિના પાણીનું સંકટ આવવાની શક્યતા વધી હતી ત્યારે વરસાદે પુન: મહેર કરી છે. જેથી શહેરીજનો પર પીવાના પાણીની તકલીફ મોટાભાગે ટળી ગઈ છે. આજવાની સપાટી 211.60 ફૂટ જ્યારે વિશ્વામિત્રીની સપાટી ફરી એકવાર 12 ફૂટથી ઉપર પહોંચી છે. જોકે પંચમહાલ જિલ્લા સહિત ઉપરવાસમાં હજી પણ વરસાદ ચાલુ રહેતા આજવા સરોવરની સપાટીમાં વધારો થવાની શક્યતા નકારી શકાતી નથી. આ દરમિયાન વડોદરા તાલુકામાં સીઝનનો સૌથી વધુ વરસાદ 817 મીમી અને ગઈકાલે દિવસ દરમિયાન પણ 27 મીમી નોંધાયો હતો. જ્યારે ડભોઇ તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન માત્ર પાંચ મીમી વરસાદ સહિત મોસમનો કુલ 748 મીમી નોંધાયો હતો.
આવી જ રીતે જિલ્લાના સાવલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન 19 મી.મી. અને સીઝનનો કુલ વરસાદ 511 મીમી નોંધાયો હતો. અને વાઘોડિયામાં 28 મી.મી સહિત 432 મીમી તથા પાદરામાં 27 મીમી અને સીઝનનો કુલ વરસાદ 810 મીમી તથા કરજણ ખાતે છેલ્લા 24 કલાકમાં 20 મીમી અને કુલ 679 મીમી, જ્યારે સિનોરમાં 14 મીમી અને 580 મીમી કુલ વરસાદ સહિત ડેસરમાં 12 મીમી 24 કલાકમાં અને સીઝનનો કુલ વરસાદ 667 મીમી નોંધાયો હતો. જોકે આજે વહેલી સવારથી ફરી એકવાર શહેરમાં સૂરજદાદાના દર્શન દુર્લભ થયા છે અને વાદળીયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો છે.