- વડોદરા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે 8 તાલુકાના 87 જેટલા માસ્ટર ટ્રેનર્સે ત્રિ-દિવસીય યોજાનાર તાલીમમાં ભાગ લીધો
સમગ્ર શિક્ષા દ્વારા રાજ્યમાં એનસીએફ, એસસીએફ અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આધારિત ધોરણ-1 અને 2 માટે નવીન અધ્યયન-અધ્યાપન સામગ્રી-અધ્યયન સંપુટ તૈયાર કરવામાં આવેલ છે. તમામ સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ-1 અને 2ના બાળકો માટે વિદ્યાર્થીઓ માટેનું વિવિધ પ્રકારનું શૈક્ષણિક સાહિત્ય નિર્માણ કરવામાં આવ્યું છે. આ સામગ્રીનો ઉપયોગ ધો-1/2 ની અધ્યયન પ્રક્રિયા પેડાગોજી અને વર્ગખંડમાં અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં અસરકારકતા જેવી બાબતો અંગે જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કચેરી દ્વારા નવીન સામગ્રીના ઉપયોગ અંગે માસ્ટર ટ્રેનિંગ વર્કશોપનો પ્રારંભ થયો છે.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વડોદરા ખાતે 8 તાલુકાના 87 જેટલા માસ્ટર ટ્રેનર્સે ત્રિ-દિવસીય તાલીમમાં ભાગ લીધો છે. આ તાલીમમાં રાજ્યકક્ષાએ તૈયાર થયેલ આરપી દ્વારા તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાની એમટીએસ તાલીમ પૂર્ણ થયા બાદ દરેક તાલુકામાં ધો- 1 અને 2 ના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકો માટે તાલુકા કક્ષાના વિવિધ સેન્ટરો ઉપર તાલીમ યોજવામાં આવશે. જિલ્લા કક્ષાના એમટીએસ તાલીમનું સંચાલન રાકેશભાઈ સુથાર એડીપીસી, વડોદરા અને વર્ગ સંચાલન મુકેશભાઈ સી.આર.સી. ભાદરવા દ્વારા કરવામાં આવ્યું છે. તમામ તાલીમાર્થીઓને શિક્ષણ સાથે મોડ્યુલ અધ્યાપન સંપુટ પ્રગતિ માપન રજિસ્ટર સહિત વિવિધ સામગ્રીનો ઉપયોગ કરવા માટે તાલીમમાં આ સામગ્રી આપવામાં આવી છે.
વડોદરા જિલ્લાના જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર મહેશભાઈ પાંડે દ્વારા આ તાલીમ રાજ્ય કક્ષાના પરિપત્ર અને ફ્રેમ વર્ક મુજબ અસરકારક બને તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ધો-1 અને 2 ના બાળકોના નવીન સાહિત્ય બાબતે શિક્ષકોમાં ક્ષમતાનું નિર્માણ કરીને વર્ગખંડમાં ગુણવત્તાસભર શિક્ષણ પુરૂ પાડવામાં આવશે તેવી શુભેચ્છા પાઠવી હતી.