મકરપુરા GIDCની પેકેજીંગ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ, 5 કલાકની જહેમત બાદ કાબુમાં આવી

મકરપુરા GIDCમાં આવેલી સુમિત પેકેજીંગ નામની કંપની પુઠ્ઠા બનાવવાનું કામ કરે છે

MailVadodara.com - Massive-fire-in-Makarpura-GIDC-packaging-company-godown-brought-under-control-after-5-hours-of-effort

- પુઠ્ઠાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, બનાવમાં કોઇ જાનહાનિ નહીં


શહેરના મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી સુમિત પેકેજીંગ કંપનીના ગોડાઉનમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં પુઠ્ઠા હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવની જાણ મકરપુરા જી.આઇ.ડી.સી. ફાયરબ્રિગેડને કરાતા તુરંત જ લાશ્કરો પહોંચી જઇ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આ આગ 5 કલાકની ભારે જહેમત બાદ કાબુમાં આવી હતી.

વડોદરા શહેરના મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી સુમિત પેકેજીંગ કંપની આવેલી છે. આ કંપનીમાં પુઠ્ઠા બનાવવાનું કામ કરવામાં આવે છે. કંપની દ્વારા તૈયાર પુઠ્ઠાનો માલ અને કાચો માલ ગોડાઉનમાં મુકવામાં આવે છે. જેમાં આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી. જેને પગલે ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડતા સિક્યુરિટી ગાર્ડ તેમજ હાજર અન્ય માણસો બહાર નીકળી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. આગનો કોલ મળતા મકરપુરા જી.આઇ.ડી.સી. ફાયર સ્ટેશનના ઓફિસર નિકુંજ આઝાદ સ્ટાફ સાથે દોડી ગયા હતા અને પ્રથમ આગને પ્રસરતા અટકાવવાની કામગીરી શરૂ કરી હતી. ગોડાઉનમાં પુઠ્ઠા હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, ફાયરબ્રિગેડના લાશ્કરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરવા દીધી ન હતી. 5 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.


વહેલી સવારે લાગેલી આગના બનાવના પગલે વહેલી સવારે જી.આઇ.ડી.સી.માં નોકરી ધંધાર્થે જનાર કર્મચારીઓ-મજૂરોના ટોળાં એકઠા થઇ ગયા હતા. વિકરાળ આગના આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં આકાશ લાલઘૂમ થઇ ગયું હતું. આગનું લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે મનાય રહ્યું છે.


સબ ફાયર ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે, અંદાજે 5 કલાક સુધી પાણીમારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી છે. અંદાજે 7થી 8 જેટલા ફાયર એન્જિનનો ઉપયોગ કરાયો છે. મકરપુરા જી.આઇ.ડી.સી.નો તમામ સ્ટાફ આગ બુઝાવવાની કામગીરીમાં હતો. આગના બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, પુઠ્ઠાનું ગોડાઉન બળીને ખાક થઇ ગયું છે.

Share :

Leave a Comments