- પાદરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી કરણ રાઠોડિયાને ઝડપી પાડ્યો
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં તાજીયા જોવા લઈ જવાના બહાને 25 વર્ષના પરિણીત યુવકે બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. પાદરા પોલીસે પોક્સોનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
પાદરા તાલુકામાં રહેતો કરણ અર્જુનભાઇ ઉર્ફે રાણા રાઠોડિયા (ઉં.વ.25) પરિણીત છે. આરોપી કરણ તાજિયા જોવાના બહાને બપોરના સમયે તેના ઘર પાસેથી બે વર્ષની બાળકીને 8 કિમી દૂર ઝાડી-ઝાંખરામાં લઈ ગયો હતો. જ્યાં કરણે બે વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. આ ઘટના બાદ કરણ બાળકીને લઈને પરત આવ્યો હતો. સવારે બાળકીની તબિયત લથડતાં તેની માતા સારવાર માટે નજીકના દવાખાને ગઈ હતી. જ્યાંથી વધુ સારવાર માટે બાળકીને સયાજી હૉસ્પિટલ લવાઈ હતી.
સયાજી હોસ્પિટલમાં બાળકીને ગુપ્ત ભાગે ઈજા થઈ હોવાનું બહાર આવ્યું હતું. સયાજીના બાળકોના વિભાગમાં પીડિત બાળકીનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ પણ એક્શનમાં આવી હતી અને આ ઘટના અંગે પીડિતાની માતાની ફરિયાદને આધારે પોલીસે કરણ રાઠોડિયા સામે ગુનો દાખલ કર્યો હતો.
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી કરણ રાઠોડિયાને ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. આરોપી કરણ નશાની હાલતમાં હતો અને બે વર્ષની બાળકીને સાથે લઈ ગયો હતો અને તેની પર દુષ્કર્મ આચર્યું હતું.