- એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે સ્થળ પર પહોંચી સાત યુવતીઓને છોડાવી
- ગ્રાહકો પાસેથી એન્ટ્રી ફી સહિત મોટી રકમ વસુલવામાં આવતી હોવાનું સામે આવ્યું
વડોદરા શહેરમાં સ્પાની આડમાં ધમધમતા દેહવેપારના ધંધા પર એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ગ્રાહકો પાસેથી એન્ટ્રી ફી સહિત મોટી રકમ વસુલવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે એક આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. જ્યારે અન્ય એક આરોપી વોન્ટેડ છે. સમગ્ર મામલે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
વડોદરામાં છુપી રીતે ચાલતા દેહ વેપારના ધંધાને નાબુદ કરવા માટે એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ દ્વારા સક્રિય રહીને કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં ટીમ વડોદરા શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી કે, તૌસિફ ઇસ્માઇલજી ખત્રી પોતાના ફાયદા માટે અન્ય રાજ્યોમાંથી જરૂરીયાતમંદ યુવતિઓ લાવીને ધ રોયલ રિચ સ્ટાયલ સ્પા (લીલેરીયા પેરામાઉન્ટ કોમ્પલેક્ષ, મણીનગર સોસાયટી પાસે, તુલસીધામ, માંજલપુર)માં ગેરકાયદેસર રીતે દેહવેપારના ધંધો કરાવે છે. તેના દ્વારા ગ્રાહકો પાસેથી રૂ.1200થી 1500 લઇને એન્ટ્રી આપવામાં આવે છે. બાદમાં ઇચ્છુક ગ્રાહકો પાસે રૂ.3000થી 4000 લઇને દેહ વેપારનો ધંધો કરવામાં આવતો હતો.
બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ દ્વારા સ્થળ પહોંચીને દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં 7 યુવતિઓને રેસ્ક્યૂ કરવામાં આવી હતી. અહીંથી એક મહિલાની અટકાયત કરવામાં આવી છે અને એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત કાર્યવાહી અંતર્ગત માંજલપુર પોલીસ મથકમાં ધી ઇમ્મોરલ ટ્રાફીક પ્રિવેન્શન એક્ટ સહિતની કલમો હેઠળ શબાના ઉર્ફે કાજલ ઇસ્માઇલ શેખ (હાલ રહે. સરદાર એસ્ટેટ પાણીની ટાંકી, સબીના ચાલી, મુળ રહે. મુંબઇ) અને તૌસિફ ઇસ્માઇલજી ખત્રી (રહે. બોડેલી) સામે ગુનો નોંધવામાં આવ્યો છે. શબાના સ્પામાં મેનેજર તરીકે કામ કરતી હતી અને આ મામલે તૌસિફને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.