વડોદરા શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો કેરીના રસનું સેવન કરતા હોય છે, ત્યારે વડોદરા શહેરનાં જુદાં-જુદાં વિસ્તારોમાં કેરીની વખારો-દુકાનોમાં સઘન ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ખોરાક શાખાના ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા ખંડેરાવ માર્કેટ વિસ્તારના 54-કેરીની વખારો, દુકાનોમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.
વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા કાર્યવાહી મુજબ હાલ કેરી તેમજ અન્ય ફળોનું વધુ વેચાણ થઈ રહ્યું છે. તેથી શહેર વિસ્તારના ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી વખારો તેમજ દુકાનોમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સાથે સાથે શહેરના વિવિધ વિસ્તારમાં ચારેબાજુ વિવિધ ખાદ્ય પદાર્થો કેરીના રસ, શેરડીના રસ, ઠંડા પીણાં સહિત અનેક ચીજવસ્તુઓની હાઈજીનીક કન્ડિશન ચકાસીને જરૂર જણાયે સેમ્પલો સહિત નોટિસ આપવાની કામગીરી પણ કરવામાં આવી છે.
આ કામગીરીમાં ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ બનાવી ખંડેરાવ માર્કેટ પાછળ, વેરાઈ માતાનો ચોક, સિધ્ધનાથ રોડ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં કેરીઓ વેચતા વેપારી દ્વારા કેલ્શિયમ કાર્બાઈડનો આર્ટીફીશીયલ રાઇપનીંગ તરીકે ઉપયોગ બાબતે 51-વખાર તેમજ દુકાનોમાં આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. FSSAI દ્વારા ઈથીલીન રાઈપનરને મંજૂરી આપવામાં આવી હોવાથી કેરી પકવવા ફુટના વેપારીઓ હવે ઈથીલીન રાઇપનરનો ઉપયોગ કરતા હોવાથી કાર્બાઇડની પડીકીઓ મળી આવી નથી.
આ અંગે ફૂડ સેફટી ઓફિસર જીતેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પહેલા કેરી પકવવા માટે કાર્બાઇડની પડીકીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ વસ્તુ સામે પ્રતિબંધ હોવાથી હવે જોવા મળતી નથી. આ કાર્યવાહીમાં કોઈ પકડાશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. જેમાં નમૂના લઇ કાર્યવાહી કરવામાં આવશે.