વડોદરા રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનની બારીમાંથી નિંદ્રાધીન મહિલાનું મંગળસૂત્ર આંચકી ગઠિયો ફરાર

રાત્રિનું અંધારું અને ચાલુ ટ્રેન હોવાથી મહિલા કશું કરી ન શક્યા

MailVadodara.com - Mangalsutra-of-sleeping-woman-snatched-from-window-of-running-train-at-Vadodara-railway-station-and-ran-away

વડોદરા રેલવે સ્ટેશન પરથી ઉપડેલી ટ્રેનની બારીમાં હાથ નાંખી એક ગઠિયો કોચમાં ઊંઘતી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર આંચકીને ફરાર થઇ ગયો હતો.

આ અંગે જાણવા મળેલી વિગત મુજબ, મુંબઇના ગાવદેવીરોડ પર બાબુભાઇની ચાલમાં રહેતા બિટાનદેવી ઓમપ્રકાશ જયસ્વાલ હરીદ્વાર ગયા હતાં. બાદમાં કોચીવલી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં બેસી તેઓ હરીદ્વારથી પરત વસઇ જતા હતાં. રાત્રિ મુસાફરી હોવાથી તેઓ ઊંઘી ગયા હતાં. મધરાત્રે અઢી વાગે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન આવ્યા બાદ ઉપડી હતી.

પ્લેટફોર્મ પરથી ધીમી ગતિએ ટ્રેન ચાલતી હતી ત્યારે અચાનક બારીમાંથી એક શખ્સે હાથ નાંખ્યો હતો અને મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર તેમજ તુલસીની માળા ખેંચી તે ફરાર થઇ ગયો હતો.  રાત્રિનું અંધારું અને ચાલુ ટ્રેન હોવાથી મહિલા કશું કરી શકી ન હતી. આ અંગે મહિલાએ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, રેલવે સ્ટેશન વિસ્તારમાં એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસનો સ્ટાફ હોવા છતાં ગઠિયાઓ પ્રવાસીઓની મત્તા ઉઠાવી જવામાં સફળ રહેતા હોય છે.

Share :

Leave a Comments