ટ્રેનમાંથી NRI મહિલાનું પર્સ ચોરનાર ઝડપાયો, દાગીના સહિત 5 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે પોલીસે આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી લીધો

MailVadodara.com - Man-arrested-for-stealing-NRI-womans-purse-from-train-jewellery-worth-Rs-5-lakh-seized

- મૂળ અમદાવાદના અને કેન્યામાં રહેતા સીમાબેન ચૌહાણે ફરિયાદ નોંધાવી હતી

વડોદરામાં એક NRI મહિલાના પર્સની ચોરી થતા રેલવે પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે. મહિલાના પર્સમાં રહેલા સોના-ચાંદીના દાગીના, વિદેશી કરન્સી સહિતનો કુલ 5,02,000નો મુદ્દામાલ કબ્જે લઈ એક આરોપીની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોના માલ-સામાનની સલામતી જળવાઈ રહે અને ટ્રેનોમાં બનતા ચોરીના ગુનાઓ શોધી કાઢવા અને ચોરીની પ્રવૃતી સાથે સંકળાયેલ શખસો વિરૂદ્ધ સખત પગલા લઈ ટ્રેનોમાં ચોરીઓના ગુનાઓ ફરીથી ન બને તે અંગે જરૂરી તકેદારી રાખવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના આધારે વડોદરા રેલવે પોલીસ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ટી.વી.પટેલની ટીમે NRI મહિલાનું પર્સ ચોરનાર શખસને ગણતરીના દિવસોમાં ઝડપી લીધો છે.

મૂળ અમદાવાદના અને કેન્યામાં રહેતા સીમાબેન તેજસભાઇ ચૌહાણ દ્વારા ગત તા.26/03/2025ના રોજ મિરજ બિકાનેર એક્સ ટ્રેનમાં મુસાફરી કરતા અમદાવાદ જતા હતા તે દરમિયાન તેઓનું લેડીઝ પર્સ સોના-ચાંદીના દાગીના, વિદેશી કરન્સી, પાસપોર્ટ સહિતનું કોઈ અજાણ્યો શખસ તેઓની ઉંઘની તકનો લાભ લઈ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ અંગેની ફરિયાદ તેઓએ નોંધાવી હતી.

પોલીસે ઝડપી પાડેલા આરોપીનું નામ ઈરફાન ઉર્ફે ઢેમા શકુરભાઇ હુસેનભાઇ (જાતે. તેલી, ઉ.વ.31, ધંધો.મજુરી, રહે.ઢાબાવાલી ચાલી, ખાનની શેરી પાસે, જમાલપુર પગથિયા, જમાલપુર, અમદાવાદ)ને ઝડપી તેની પાસેથી સોના-ચાંદીના દાગીના, મોબાઇલ ફોન, અમેરીકન ડોલર, કેન્યા સિલીંગ કરન્સી મળી કુલ કિંમત રૂપિયા 5,02,200ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ચોરીના બનાવમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવેલ આરોપી અગાઉ સુરત રેલવે પોલીસ સ્ટેશન, અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશન, રતલામ રેલવે પોલીસ સ્ટેશન (મ.પ્રદેશ) તથા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેરમાં ચોરી તથા મારામારીના ગુનાઓમાં પકડાયેલ છે.

Share :

Leave a Comments