- અનાર્મ હેડ કોન્સ્ટેબલ આનંદ વાળાએ સ્પા સંચાલકના પોલીસ રિમાન્ડ ન માંગવા અને હેરાનગતી ન કરવા માટે 10 હજારની માંગણી કરી હતી
વડોદરા સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વિવધ સ્પા સેન્ટરો પર દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં રિમાન્ડ ન માંગવા અને હેરાન ન કરવા માટે સ્પા સંચાલક પાસેથી 10 હજારની લાંચ લેતો અનાર્મ હેડ કોન્સ્ટેબલ ઝડપાઈ ગયો છે. વડોદરા એસીબીએ છટકું ગોઠવીને અનાર્મ હેડ કોન્સ્ટેબલ આનંદ વાળાને રંગેહાથ ઝડપી પાડ્યો છે.
વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્પા અને સલૂનના સંચાલકને ત્યાં પોલીસે રેડ પાડી હતી અને આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગનો ગુનો પણ દાખલ થયો હતો. આ ગુનાની તપાસ માંજલપુર પોલીસ સ્ટેશનના અનાર્મ હેડ કોન્સ્ટેબલ આનંદ રામજીભાઇ વાળા (રહે. મકાન નં.339 બ્લોક નં.બી/25, પ્રતાપનગર પોલીસ લાઇન, પ્રતાપનગર, વડોદરા, મૂળ રહે. ગામ તલ્લી, તા.તળાજા, જિ.ભાવનગર) કરતા હતા.
અનાર્મ હેડ કોન્સ્ટેબલ આનંદ વાળાએ સ્પા સંચાલકના પોલીસ રિમાન્ડ નહી માંગવા અને હેરાનગતી નહી કરવા માટે 10 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જો કે, સ્પા સંચાલક લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ આ મામલે વડોદરા શહેર એસીબી પોલીસ સ્ટેશન પર્ફોચ્યા હતા અને એસીબીમાં આ મામલે ફરિયાદ કરી હતી. જેથી વડોદરા શહેર એસીબીના પીઆઇ એ.એન. પ્રજાપતિ અને તેમની ટીમે ટીમે છટકું ગોઠવ્યું હતું.
આજે બપોરે એક વાગ્યે વિશ્વામિત્રી પોલીસ ચોકી ખાતે લાંચની માંગણી મુજબ પોલીસકર્મી આનંદ વાળાએ સ્પા સંચાલક પાસેથી 10 હજાર રૂપિયા લીધા હતા, જેમાંથી 8 હજાર પોતાની પાસે રાખી બાકીના 2 હજાર રૂપિયા સ્પા સંચાલકને પરત આપ્યા હતા. લાંચની રકમ 8 હજાર રૂપિયા પોતાની પાસે રાખીને આરોપી નામ હેડ કોન્સ્ટેબલ આનંદ વાળા રંગેહાથ પકડાઈ જઇ ગયો હતો.
ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં હોટલ અને સ્પાની આડમાં ચાલતી દેહવ્યાપારની પ્રવૃત્તિઓ બંધ કરાવવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો કોન્ફરન્સ યોજીને આપેલી સૂચના બાદ ગુજરાત પોલીસે રાજ્યભરના સ્પા સેન્ટર, કોમર્શિયલ બિલ્ડિંગ તથા હોટલ પર દરોડા શરૂ કર્યા છે. આ સ્પેશિયલ ડ્રાઈવ હેઠળ ગુજરાત પોલીસની અલગ અલગ ટીમોએ એક જ દિવસમાં 851 સ્થળ પર રાજ્યવ્યાપી દરોડા પાડ્યા છે, ત્યારે આવા સમયે પોલીસકર્મીએ કાર્યવાહી કરવા માટે લાંચ લીધી હોવાની ઘટના સામે આવતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.