2 વર્ષનો 46 લાખનો બાકી વેરો ભરપાઇ ન કરનાર મકરપુરા એસટી ડેપોની ઓફિસ અને કેન્ટીન સીલ

મિલકત વેરાનો નિર્ધારીત લક્ષ્યાંક પૂરો કરવા વડોદરા મનપાની કડક કાર્યવાહી

MailVadodara.com - Makarpura-ST-Depot-office-and-canteen-sealed-for-non-payment-of-2-years-46-lakhs-in-outstanding-tax

- પાલિકા દ્વારા નિર્ધારીત રૂપિયા 724 કરોડના લક્ષ્યાંક સામે હવે રૂપિયા 78 કરોડ બાકી

વડોદરા કોર્પોરેશન દ્વારા મિલકત વેરાનો નિર્ધારીત લક્ષ્યાંક પૂરો કરવા માટે સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા 2 વર્ષનો રૂપિયા 46 લાખ વેરો ભરપાઇ ન કરનાર ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના મકરપુરા એસ.ટી. ડેપોની ઓફિસ અને કેન્ટીનને આજે સીલ કરવામાં આવતા ચકચાર મચી ગઇ હતી.

ઉલ્લેખનિય છે કે, વડોદરા મહાનગર પાલિકાના કરોડો રૂપિયાના બાકી વિવિધ વેરાની વસુલાત માટે કડક ઉઘરાણી શરૂ કરવામાં આવી છે. દરમિયાન વોર્ડ નંબર 19 માં આવતા મકરપુરા એસ.ટી. ડેપોની ઓફિસ અને કેન્ટીનને આજે સીલ મારવામાં આવી હતી.

વડોદરા કોર્પોરેશનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર (રેવન્યુ) સુરેશ તુવરે જણાવ્યું હતું કે, પાલિકાના વેરાની વસુલાત માટે ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે આજે વોર્ડ નંબર 19 દ્વારા મકરપુરા એસ.ટી. ડેપોની ઓફિસ અને કેન્ટીનને સીલ કરવામાં આવી છે. આ ડેપોના બે વર્ષનો રૂપિયા 46 લાખનો વેરો બાકી હતો. નોટિસો આપવામાં આવી હતી. પરંતુ, વેરાની રકમ ભરપાઇ કરવામાં ન આવતા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા નિર્ધારીત રૂપિયા 724 કરોડના લક્ષ્યાંક સામે હવે રૂપિયા 78 કરોડ બાકી રહ્યા છે. આગામી તા. 31 માર્ચ પહેલાં લક્ષ્યાંક પૂરો થઇ જશે તેવી આશા છે.

Share :

Leave a Comments