મકરપુરા GIDCની એબીબી કંપનીના સ્ટોર રૂમમાં ઘૂસી 32 લાખના કેબલની ચોરી, 6 સામે ફરિયાદ

મકરપુરા પોલીસ સ્ટેશનમાં ધર્મેન્દ્રસિંહ સરદારસિંહ રાઠોડે ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Makarpura-GIDC-broke-into-ABB-company-store-room-stole-cables-worth-32-lakhs-complaint-against-6

- કંપનીની પરવાનગી વિના એબીબી કંપનીના વેન્ડર યાદવ રોડ કેરિયરના કામ કરતા માણસોએ સ્ટોરરૂમમાં જઇ કેબલ ચોરી જીપમાં લઇ જતા આરોપીઓ સીસીટીવીમાં કેદ

- કંપનીમાં ફિટ કરેલા સીસીટીવી કેમેરા ચેક કરતા આરોપીઓની ઓળખ થઇ

મકરપુરા જી.આઇ.ડી.સી.માં માણેજા ક્રોસિંગ પાસે આવેલી એ.બી.બી. કંપનીના સ્ટોર રૂમમાં મૂકેલા ૩૨ લાખના કેબલ ચોરી થયા હતા. કંપનીના સીસીટીવી કેમેરા અને  પંચીગ મશીનની હાજરી ચેક કરતા એક કારમાં આવેલા આરોપીઓ જીપમાં કેબલ ચોરીને લઇ જતા હોવાનું જણાઇ આવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

લેબર કોન્ટ્રાક્ટર ધર્મેન્દ્રસિંહ સરદારસિંહ રાઠોડે  (રહે.શિવશક્તિ બંગ્લોઝ, પાદરા) મકરપુરા પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મકરપુરા જી.આઇ.ડી.સી.માં માણેજા ક્રોસિંગ પાસે આવેલી એ.બી.બી. કંપનીમાં સ્ટોર હેડલિંગ માટે લેબર સપ્લાયર્સનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. કંપની દ્વારા અમને જાણવા મળ્યું હતું કે,તા. ૨૪-૦૧-૨૦૨૫ ના રોજ એ.બી.બી. કંપનીના સબ કોન્ટ્રાક્ટર સન ઇલેક્ટ્રો સ્ટેરીક બેંગલોર દ્વારા ૪૫ મીટર કેબલનો ઓર્ડર  આપવામાં આવ્યો હતો. કંપનીના સ્ટોર ઇન્ચાર્જ અનિલ ચૌધરી કેબલ લેવા માટે સ્ટોરમાં ગયા ત્યારે તેઓને સ્ટોક ઓછો હોવાની શંકા થઇ હતી. સ્ટોકની ચકાસણી કરતા ૩૨.૬૯ લાખના ત્રણ કેબલની ચોરી થઇ હતી.

આ સામાનની જાળવણી રાખવાની જવાબદારી અમારી  પ્રથમ પેકર્સ નામની કંપનીની છે. એ.બી.બી. કંપનીમાં સ્ટોર ખુલવાનો સમય સવારે ૯ થી રાતના ૧૨ વાગ્યા સુધીનો છે. મારી કંપનીના લેબર કોન્ટ્રાક્ટરો એ.બી.બી. કંપનીના કર્મચારીઓ અંકુર પટેલ તથા અનિલ ચૌધરીની હેઠળ કામ કરે છે. જે સ્ટોરના રૂમના ઇન્ચાર્જ સાજીદ મેમણ છે.

એ.બી.બી. કંપનીના સીસીટીવી કેમેરા જોતા તેમજ પંચીંગ મશીન ચેક કરતા એવી હકીકત જણાઇ હતી કે, ગત ૪ થી જાન્યુઆરીએ સવારે ૫ઃ૫૩ થી ૭ઃ૩૦ દરમિયાન કંપનીની કોઇપણ પરવાનગી લીધા વિના એ.બી.બી. કંપનીના વેન્ડર યાદવ રોડ કેરિયરના કામ કરતા માણસોએ કારમાં આવીને સ્ટોરરૂમની પાછળના પતરા હટાવીને અંદર જઇને કેબલ લઇ આવી પાછળના ભાગે ઉભેલી જીપમાં મૂકીને લઇ ગયા હતા. આ ચોરીની ઘટનામાં આરોપીઓની હરકત સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. આખરે રંગેશ વિરસિંગ રાઠવા (રહે. રૂમડીયા, કવાંટ), સંજય ઓમપ્રકાશ સિંઘ (રહે. વૃંદાવન પાર્ક, જાંબુઆ), વિપિન પ્રતાપભાઇ તડવી (રહે.વાલપુર, ખુનવાડા, ગુજરાત), કમલેશભાઇ રમણભાઇ રાઠોડિયા (રહે. નવીનગરી, તરસાલી બાયપાસ), નાગેશ્વર બળવંતભાઇ રાવત (રહે. ધ ક્રિષ્ના મઢી વિસ્તાર, ભાયલી, વડોદરા) અને અજય સી. પાટણવાડીયા સામે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments