ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની દેશભરમાં ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જેમાં આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરીને જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
અંગ્રેજોના ક્રૂર શાસનમાંથી ભારતને આઝાદી અપાવનાર આઝાદીના લડવૈયા મોહનદાસ કરમચંદ ગાંધીને આપણે મહાત્મા ગાંધી તરીકે ઓળખીએ છે. મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતાનું બિરુદ મળ્યું છે જ્યારે ગાંધીના વિચારો અને અહિંસા વાદના ઉદાહરણો વિશ્વભરમાં ભારતને એક આગવી ઓળખ આપે છે. આજે બીજી ઓક્ટોબરે ગાંધી જયંતીનો દિવસ દેશભરમાં સ્વચ્છતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ગાંધીજી સ્વચ્છતાના પ્રખર આગ્રહી હતા. જેથી વર્ષ 2014થી સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
આજે ગાંધી જયંતી નિમિત્તે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મેયર પિન્કીબેન સોની, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર, કાઉન્સિલરો તેમજ પાલિકાના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરીને વંદન કર્યા હતા.