- વિદ્યાર્થીનીઓએ પડી રહેલી મુશ્કેલીઓ અંગે બ્રોકરને રજૂઆત કરતા કોઇ દાદ આપતો ન હતો જેથી અભયમની મદદ લીધી હતી
શહેરની એમ.એસ. યુનિવર્સિટી તેમજ શહેરની આસપાસમાં અનેક કોલેજો આવેલી છે. આ કોલેજોમાં રાજ્યના વિવિધ શહેરો તેમજ રાજ્ય બહારથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. વડોદરામાં પેઇન ગેસ્ટ તરીકે રહીને અભ્યાસ કરે છે. મહારાષ્ટ્રથી અભ્યાસ માટે આવેલી બે યુવતીઓને વડોદરાના બ્રોકરોનો કડવો અનુભવ થયો છે. બ્રોકરે કરાર મુજબ સુવિધા ન આપતા યુવતીઓએ અભયમની મદદ લઇ બ્રોકરને શબક શીખવાડ્યો હતો.
વડોદરામાં મહારાષ્ટ્રની બે યુવતીઓ અભ્યાસ માટે આવી હતી. એક બ્રોકરની મદદથી પેઇન ગેસ્ટ તરીકે મકાન રાખ્યું હતું. બ્રોકરે મકાન આપતા પૂર્વે યુવતીઓને તમામ સુવિધાઓ મકાનમાં હોવાનું જણાવ્યું હતું. તે પ્રમાણે પોતાની કન્સલ્ટિંગની નક્કી કર્યા મુજબની રકમ વસુલ કરી હતી. જોકે, મહારાષ્ટ્રથી આવેલી બંને યુવતીઓને રૂમમાં બ્રોકરે જણાવ્યા મુજબની સુવિધા ન મળતા તેઓએ બ્રોકરને રજૂઆત કરી હતી.
મળેલી માહિતી પ્રમાણે બ્રોકરે મહારાષ્ટ્રની યુવતીઓ પાસેથી અગાઉથી રકમ મેળવી લીધેલ હતી. પરતું ફ્રીઝ, ગીઝરની વ્યવસ્થા પૂરી પાડી ન હતી. એથી વધારે નિયમિત રૂમની સફાઈ પણ થતી ન હતી. જે તે સમયે બ્રોકરે રૂમ દીઠ બે વિદ્યાર્થિનીઓ રહેશે તેમ જણાવ્યું હતું. બાદમાં બેથી વધુ વિદ્યાર્થીનીઓને રાખવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત ભાડા સાથે જ લાઇટ બિલ પણ નક્કી કર્યું હતું. તેમ છતાં, અલગથી લાઇટ બિલ માંગવાની શરૂઆત કરી હતી. જાેકે વિદ્યાર્થીનીઓએ પડી રહેલી મુશ્કેલીઓ અંગે બ્રોકરને રજૂઆત કરી હતી. પરંતુ, બ્રોકર કોઇ દાદ આપતો ન હતો. આથી વિદ્યાર્થીનીઓએ અભયમની મદદ લીધી હતી. અભયમ દ્વારા બ્રોકર સાથે ચર્ચા કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતાં. જેથી આગળની કાર્યવાહિ કરવાની તજવીજ કરતા બ્રોકરે ભૂલ કબૂલી હતી અને વધારાની લીધેલ રકમ પરત આપી હતી.