- કાર્યવાહી દરમિયાન મચ્છીપીઠ રોડ પર ટ્રાફિક જામ થતાં લોકો અટવાયા
- બહુચરાજી પેટ્રોલ પંપની સામેથી ગેરકાયદે ખાણીપીણીની લારીઓ અને ઓટો રીપેરવાળાની કેબીનો પણ ખસેડવામાં આવી
વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા છેલ્લા ઘણા દિવસથી રોજેરોજના દબાણો દૂર કરવાની કામગીરીમાં જોતરાઈ ગઈ છે. જેમાં ગત રોજ પશ્ચિમ વિસ્તારમાં દબાણો દૂર કર્યા બાદ આજે શહેરના વહીવટી વોર્ડ 7માં સમાવિષ્ટ વિસ્તારમાં મુખ્યમાર્ગ પરના દબાણોદુર કરવામાં આવ્યા હતા. સંવેદનશીલ વિસ્તારમાં દબાણો દુર કરવાની કામગીરીમાં કારેલીબાગ પોલીસે બંદોબસ્ત પૂરો પડ્યો હતો.
વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ મથકથી નાગરવાડા થઈને મચ્છીપીઠ અને ત્યાંથી સલાટવાડા તરફના રસ્તા રેસા પરના દબાણો દૂર કરવાની તજવીજ આજે દબાણ શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી. નાગરવાડા ચાર રસ્તાથી રોડ રસ્તાના અડીને આવેલી ખુલ્લી જગ્યામાં ગેરેજ તેમજ જંપર રીપેરીંગના નામે દુકાનો ખોલીને દબાણો કરવામાં આવ્યા હતા. આ સાથે રોડ પર ખાણી પીણીની લારીઓ અને દુકાનો દ્વારા વધુ પડતા શેડના બંધકામ પણ કરી દેવામાં આવ્યા હતા. આ તમામ દબાણો દૂર કરવા આજે પાલિકાની દબાણ શાખાની ટિમ પહોંચી ગઈ હતી. જ્યારે લગભગ 8થી 10 જેટલી ટ્રક ભરીને દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો. સંવેદનશીલ વિસ્તારમાં દબાણની કામગીરી માટે કારેલીબાગ પોલીસે ખડેપગે બંદોબસ્ત પૂરો પાડ્યો હતો. આ સાથે વહીવટી વોર્ડ 7ના અધિકરીઓ પણ હાજર રહ્યાં હતા. આ ઉપરાંત બહુચરાજી રોડ ત્રણ રસ્તા આસપાસના અનેક દબાણો હટાવી દેવાયા હતા. આ કાર્યવાહી દરમિયાન મચ્છીપીઠ રોડ રસ્તાનો ટ્રાફિક જામ થઈ ગયો હતો. એ જ રીતે બહુચરાજી પેટ્રોલ પંપની સામેથી કેટલીય ગેરકાયદે ખાણીપીણીની લારીઓ અને ઓટો રીપેરવાળાની કેબીનો પણ ખસેડવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પોણા બે મહિનાથી પાલિકા તંત્રની દબાણ શાખા એક્શનમાં આવી છે અને ઠેર-ઠેર જાહેર રસ્તા સહિત આંતરિક રસ્તે થયેલા નાના-મોટા કાચા પાકા દબાણો સતત હટાવીને રોડ રસ્તા ખુલ્લા કરી રહ્યા છે ત્યારે દબાણ શાખાની ટીમ જતાની સાથે જ ફરી એકવાર આવા પેધા પડેલા હંગામી દબાણો કરનારાઓ અગાઉની જગ્યા ઉપર પુનઃ ગોઠવાઈ જતા હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અતિ સંવેદનશીલ વિસ્તાર મચ્છીપીઠમાં સાંજ થતાં જ નોનવેજની લારીઓ અને કેબીનોનો જમાવડો થઈ જાય છે. પરિણામે વાહન વ્યવહારને તથા રાહદારીઓને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ક્યારેક તો તકરારના પણ દ્રશ્યો સર્જાય છે. આ દબાણો પાલિકાની દબાણ શાખાની ટીમે કારેલીબાગ પોલીસ તંત્રને સાથે રાખીને હટાવતા કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. કાર્યવાહી દરમિયાન પાલિકાની દબાણ શાખાએ ચાર ટ્રક જેટલો માલસામાન અને લારીઓ સહિત કેબીનો કબજે કરી હતી. એજ રીતે રોડ રસ્તા પર ટાયર ટ્યુબના ઢગલા કરીને વેપાર ધંધો કરતા વેપારીઓને પણ તેમનો માલ-સામાન ખસેડી લેવા સહિત કેટલાક માલ સામાન કબજે કરીને રસ્તા ફૂટપાથ ખુલ્લા કર્યા હતા.