- અંતિમ નોટીસ આપવા છતાં વેપારીઓએ ભાડું ન ભરતા આખરે આજે પાલિકાના માર્કેટ સુપ્રીટેન્ડન્ટે દબાણ શાખા અને પોલીસને સાથે રાખી મચ્છી માર્કેટ સીલ કર્યું
વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલ પિરામિતાર રોડ ખાતેના મચ્છી માર્કેટને બાકી ભાડા અને બાકી પરવાના ફી મામલે કોર્પોરેશનના માર્કેટ વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું હતું.
વડોદરા શહેરના પિરામિતાર રોડ ખાતે આવેલ મચ્છી માર્કેટમાં ઓટલા ધરાવતા ભાડુંઆતોના ઘણા લાંબા સમયથી ભાડા અને પરવાના ફી બાકી હતા. પાલિકાના માર્કેટ શાખાના સુપ્રીટેન્ડન્ટ ડો.વિજય પંચાલ દ્વારા આ મામલે અહીંના વેપારીઓને નોટિસ બજાવી ભાડું ચૂકતે કરવા અને પરવાના ફી તાત્કાલિક ભરવા જાણ કરવામાં આવતી હતી. અંદાજે 20 વર્ષથી તેઓના બાકી ભાડા અને પરવાના ફી મામલે જ્યારે પાલિકા તંત્ર નોટિસ પાઠવે ત્યારે વેપારીઓ એક કે બે મહિનાના ભાડા ભરી જતી જતા હતા. પરંતુ ત્યારબાદ વારંવાર ભાડા બાકી નીકળતા હતા. અંતિમ નોટીસ આપવા છતાં અહીંના વેપારીઓએ ભાડું ન ભરતા આખરે આજે પાલિકાના માર્કેટ સુપ્રીટેન્ડન્ટ ડો.વિજય પંચાલે દબાણ શાખા અને રાવપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને મચ્છી માર્કેટ સીલ કરી કાર્યવાહી કરી હતી.