વડોદરા શહેરની એમ. એસ. યુનિવર્સિટીમાં હંગામી કર્મચારીઓની નોકરીનું આઉટ સોર્સિંગ કરવાની હિલચાલ સામે આંદોલન કરી રહેલા કર્મચારીઓએ આજે માનવ સાંકળ બનાવીને તેમજ બેનરો અને પોસ્ટરો સાથે ઊભા રહી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
ચાર કર્મચારી સંગઠનોના બનાવાયેલા મહાસંઘના એલાન બાદ આજે યુનિવર્સિટીના હંગામી કર્મચારીઓએ સયાજીગંજ વિસ્તારમાં એકઠા થઈને માનવ સાંકળ બનાવી હતી. જેમાં યુનિવર્સિટીના કાયમી કર્મચારીઓ પણ જોડાયા હતા. સયાજીગંજ વિસ્તારમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા ફરતે કર્મચારીઓએ માનવ સાંકળ બનાવી હતી. કેટલાક કર્મચારીઓએ સયાજીગંજ વિસ્તારમાં આવેલા કાલાઘોડા સર્કલ પર ઉભા રહીને બેનરો તેમજ પોસ્ટરો સાથે શહેરીજનોનું પણ ધ્યાન ખેંચ્યું હતું. કર્મચારીઓએ કોઈ પણ હિસાબે આઉટ સોર્સિંગ માટેની ટેન્ડર પ્રક્રિયા રદ કરવામાં આવે અને હંગામી કર્મચારીઓની નોકરી બચાવવામાં આવે તેવી માંગણી કરી હતી.