- યુવકે વિદ્યાર્થીને ધમકી આપી હતી કે, જ્યાં દોડવું હોય ત્યાં દોડ, મારૂ કંઇ ઉખાડી નહિ શકે કહી મારી નાખવાની ધમકી આપતા હતા
વડોદરા MS યુનિવર્સિટીની બોય્ઝ હોસ્ટેલમાં ગેરકાયદેસર રહેતા બે શખસને સયાજીગંજ પોલીસે ઝડપી પાડયા છે. આ બન્ને શખસ બોય્ઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ધમકી આપી છેલ્લા 6 મહિનાથી સાથે રહેતા હતા. આ બનાવ અંગે વિજિલન્સને જાણ કરાઈ અને બાદમાં વિજિલન્સ અને પોલીસે સાથે મળી દરોડા કરતા બે શખસને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ બન્ને શખસ નોકરી કરતા હોવાનું બહાર આવ્યું છે. આ બનાવ અંગે વિદ્યાર્થીઓએ હિંમત રાખી વિજિલન્સને જાણ કરી હતી.
એમ. એસ. યુનિવર્સિટીના વિજિલન્સ હેડ સુદર્શનસિંહ વાળાએ સયાજીગંજ પોલીસ મથકમાં નોંધાવેવી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.29 નવેમ્બરના રોજ એમ.એસ.યુનિવર્સિટીના બોય્ઝ હોસ્ટેલના એમ. એમ. હોલમાં રહેતા વિદ્યાર્થીએ જણાવ્યું કે, હું જે હોસ્પિટલના રૂમમાં રહું છું. ત્યાં આદર્શ ભરજભાઇ ડોલસીયા અને યતીશ ભરતભાઇ ડોલસીયા છેલ્લા છ મહિનાથી રહે છે અને તેઓ એમ. એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ પણ કરતા નથી. છતાં દાદાગીરી કરીને રહે છે. આખરે વિદ્યાર્થીએ આ અંગે વોર્ડનને જાણ કરી હતી. તે પછી બંને ભાઇઓએ વિદ્યાર્થીઓને ધમકી આપી હતી કે, જ્યાં દોડવું હોય ત્યાં દોડી લેજે, તું મારૂ કંઇ ઉખાડી નહિ શકે. જો અમને અહિંયાથી વોર્ડન કાઢી મુકશે, તો તારી લાશ પણ કોઇના હાથમાં નહિ આવે તેવી હાલત કરીશું. આ બાબતની ગંભીરતા જોતા અમે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસ અને વિજિલન્સ સાથે મળી દરોડા કરતા રૂમમાંથી બે ગેરકાયદેસર રહેતા શખસોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓમાં 21 વર્ષિય આદર્શ ભરતભાઇ ડોલસીયા અને 20 વર્ષિય યતીશ ભરતભાઇ ડોલસીયા (બંને રહે. એમ. એમ. હોલ, ટીકેજી હોલ, MSU અને મૂળ રહે, સરસીયા ગામ, ઉપર કોટ શેરી, તા. ધારી, જિ, અમરેલી) ના હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.
સયાજીગંજ પોલીસ મથકના પીઆઇ આર.જી. જાડેજાએ જણાવ્યું હતું કે, MS યુનિવર્સિટીમાં બોય્ઝ હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે છેલ્લા 6 મહિનાથી રહેતા હતા. વિદ્યાર્થીઓને ધમકી આપી કોઈને આ બાબતે જાણ ન કરવા કહેવામાં આવ્યું હતું. આ અંગે અમને વિજિલન્સ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. આ બંને શખસ વિદ્યાર્થીઓના રૂમમાં રહેતા હતા અને ધમકી આપતા હતા. આ અંગે હાલમાં આ બંને શખસને ઝડપી લેવામાં આવ્યા છે. આ બંનેની પૂછપરછ બાકી છે, પરંતુ બંને નોકરી કરતા હતા અને છેલ્લા છ મહિનાથી સાથે રહેતા હતા. અને વિધાર્થીઓને ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા હતા. તેઓ કઈ રીતે એન્ટ્રી લેતા હતા અને વિદ્યાર્થી સાથે કેવો વ્યવહાર કરતા હતા આ બાબતે તપાસ ચાલી રહી છે. તેઓ એન્ટ્રી અંગે ડુબ્લિકેટ આઈકાર્ડનો ઉપયોગ કરતા હોવાની પણ શંકાઓ સેવાઈ રહે છે અને આ ઘટનામાં અન્ય કોઈ મોટું કૌભાંડ પણ હોય શકે છે. હાલ આ બાબતે વધુ પૂછતાછ બાદ અન્ય વિગતો ખુલશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ MS યુનિવર્સિટી વારંવાર વિવાદોમાં આવી છે, ત્યારે ફરી એકવાર ગેરકાયદેસર વિદ્યાર્થી છેલ્લા 6 મહિનાથી રહે છે અને કોઈ પણ સિક્યુરિટી ગાર્ડ કે હોસ્ટેલના વોર્ડનને જાણ નથી, ત્યારે યુનિવર્સિટી તંત્ર સાથે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. હજુ પણ લાલીયાવાડી ચાલતી હોય તેવું આ ઘટના પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે.