વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં નોકરી અપાવવાનું કહી દોઢ કરોડથી વધુની ઠગાઇ કરનાર આરોપી ઝડપાયો

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી

MailVadodara.com - MSU-The-accused-who-cheated-more-than-one-and-a-half-crore-by-asking-to-get-a-job-in-the-was-caught

- આરોપી મનીષ કટારાએ એમ.એસ.યુનિવર્સિટીના નામના લેટરપેડ પર ખોટા ઓર્ડરો તથા જોઇનીંગ લેટર બનાવી ઠગાઇ આચરી હતી

વડોદરાની MS યુનિવર્સિટીમાં નોકરી અપાવવાનું કહીને દોઢ કરોડથી વધુ રકમની છેતરપિંડીના કેસમાં એક આરોપી ઝડપાયો છે. યુનિવર્સિટીના લેટરપેડ ઉપર ખોટા ઓર્ડર્સ તેમજ જોઇનીંગ લેટર બનાવી ઠગાઇ કરવાના ગુનાનો આરોપી છેલ્લા દોઢ વર્ષથી નાસતો-ફરતો હતો, જેની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ મામલે કાર્યવાહી શરૂ કરી છે.


વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ આરોપી મનીષ શકજીભાઇ કટારા (ઉ.31) (રહે. શિવેન એન્કલેવ, માંજલપુર, વડોદરા, મુળ રહે. નાનીહાંડી ગામ, જી. દાહોદ)નાસતો ફરતો હતો. આ આરોપીની તપાસ દરમિયાન આરોપી થોડા દિવસ પહેલા દાહોદ ખાતે ઠગાઇના ગુનાઓમાં પકડાયેલાનું અને હાલમાં ઝાલોદ જેલમાં હોવાની માહિતી મળી હતી. જેથી, ક્રાઇમ બ્રાન્ચે આરોપીને કોર્ટના હુકમ આધારે સયાજીગંજ પોલીસ સ્ટેશનના કેસમાં આરોપીની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરીને આરોપીના તપાસના મુદ્દાઓ આધારીત પોલીસ કસ્ટડીના રીમાન્ડની માંગણી કરતાં આરોપીના 3 દિવસના પોલીસ કસ્ટડીના રીમાન્ડ મંજુર કર્યા છે.

આરોપી મનીષ કટારા સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનના તા.11/05/2023ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. તે પ્રમાણે આરોપીઓએ ગુનાહિત કાવતરૂ રચી ફરીયાદી તથા અન્ય સાહેદોને એમ.એસ.યુનિવર્સિટીમા જુદી- જુદી પોસ્ટ પર નોકરી અપાવવાનું જણાવી તે પેટે ફરિયાદી તથા અન્ય સાહેદો પાસેથી અલગ-અલગ મળી કુલ્લે રૂ. 1,67,50,000 મેળવીને એમ.એસ.યુનિવર્સિટીના નામના લેટરપેડ પર ખોટા ઓર્ડરો તથા જોઇનીંગ લેટર બનાવી જે ખોટા હોવાનું જાણતા હોવા છતા સાચા તરીકે ફરીયાદી-સાહેદોને આપી ફરીયાદી-સાહેદોને નોકરી નહી અપાવી તેમજ નાણા પરત નહી આપી ઠગાઇ કરી ગુનો કર્યો હતો. આરોપી સામે ગુનો નોંધાતા આરોપી ફરાર થઇ નાસતો ફરતો હતો. આરોપી મનીષ કટારા સામે દાહોદના સુખસર પોલીસ સ્ટેશનમાં પણ 2 ગુના નોંધાયેલા છે.

Share :

Leave a Comments