વડોદરા જિલ્લાના ભાજપ શાસિત સાવલી નગરપાલિકાએ રૂપિયા 3.43 કરોડનું વીજ બિલ ન ભરતાં આજે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. વીજ કનેક્શન કાપી નાખવામાં આવતા નગરની સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા અંધારપટ છવાઇ ગયો હતો. નગરપાલિકાના અંધેર વહીવટના કારણે નગરજનોએ પાલિકાના વહીવટકર્તાઓ સામે રોષ ઠાલવ્યો હતો.
મળેલી માહિતી પ્રમાણે સાવલી નગરપાલિકાની સ્ટ્રીટ લાઈટનું રૂપિયા 83,71,438, વોટર વર્કસનું રૂપિયા 19,091,294 અને અન્ય કોમર્શિયલનું રૂપિયા 69,18,331 મળી કુલ વીજળી બિલ રૂપિયા 3,43,81,063 સાવલી નગરપાલિકા દ્વારા ભરપાઇ કરવામાં ન આવતાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સાવલી નગરપાલિકાને બાકી વીજ બિલ ભરી દેવા માટે લેખિત તથા મૌખિક સુચનાઓ આપવામાં આવી હતી. આમ છતાં નગરપાલિકાના ભાજપ સત્તાધીશો દ્વારા ઉંઘ ન ઉડાવતા આજે MGVCLના M.D તેજસ પરમારની સૂચનાથી સ્થાનિક સબ સ્ટેશન દ્વારા વીજ કનેક્શન કાપી નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને 440 વોલ્ટનો ઝાટકો આપ્યો હતો.
સાવલી MGVCL દ્વારા આજ રોજ સાવલી પોલીસ સ્ટેશન આગળ, સરદાર નગર, SBI બેંક, શિવમ સોસાયટી, વૃંદાવન સોસાયટી, પોઇચા ચોકડી, યંગ બ્લડ, પરબડી ચોક સહિત સમગ્ર નગરની સ્ટ્રીટ લાઈટો રાબેતા મુજબ ચાલુ ન થતાં, વીજ કંપનીએ સાવલી નગરપાલિકાએ વીજ બિલ ન ભરતાં વીજ કંપનીએ વીજ કનેક્શન કાપી નાખ્યું હોવાની વાત બહાર આવતાં નગરમાં ચકચાર મચી ગઇ હતી. સાંજે નગરની સ્ટ્રીટ લાઇટ ચાલુ થતાં નગરમાં અંધારપટ છવાઇ ગયો હતો.
સાવલી નગરપાલિકા દ્વારા છેલ્લે 2019 અને 2023 સુધી ટુકડે ટુકડે રૂપિયા 7,90,823 જેટલું જ બિલ ભર્યું હતું. તે બાદ બિલ ન ભરતાં આજે MGVCLએ વીજ કનેક્શન કાપી નાખી સાવલી નગરપાલિકાના આબરુના ધજાગરા ઉડાવ્યા હતા. તે સાથે નગરપાલિકાની વિકાસની કરવામાં આવતી પોલ પણ ખૂલ્લી પાડી દીધી હતી.
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે તાજેતરમાં સાવલી નગરપાલિકા ચીફ ઓફિસર સંજય પટેલને રૂપિયા 10 લાખ ભરી દેવા ટકોર કરી હતી. આમ છતાં તેઓએ ઉંઘ ઉડાડી ન હતી. એતો ઠીક MGVLની ટીમ દ્વારા અવારનવાર બાકી વીજ બિલ માટે ઉઘરાણી પણ કરી હતી. છતાં સત્તાધિશો દ્વારા બિલ ભરવામાં ન આવતાં આજે MGVCL એ નગરપાલિકાનું વીજ કનેક્શન કાપી નાખતા હાહાકાર મચી ગયો હતો.