નટુભાઈ સર્કલ પાસે લક્ઝરી બસ ટ્રાફિક સિગ્નલના થાંભલા સાથે ધડાકાભેર અથડાતા પોલ તૂટી ગયો

લક્ઝરી બસ ટ્રાફિક સિગ્નલનાે થાંભલાે તોડી તેના પર ચઢી ગઈ

MailVadodara.com - Luxury-bus-crashes-into-traffic-signal-pole-near-Natubhai-Circle-breaks-pole

- વહેલી સવારે ઘટના બનતા મોટી દુર્ઘટના ટળી, બસમાં કોઈ પેસેન્જર ન હતા


વડોદરામાં આજે સવારે નટુભાઈ સર્કલ પાસે લક્ઝરી બસ ટ્રાફિક સિગ્નલ પોલ સાથે અથડાતા ધડાકાભેર થાંભલો તૂટી પડ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહન વ્યવહાર પર તેની અસર પડી હતી.


વડોદરા શહેરના હાલ વરસાદી માહોલ ટાણે અકસ્માતોના પણ બનાવવામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, તેવામાં આજે સોમવારે સવારે આશરે 8:30 વાગ્યાની આસપાસ શહેરના વ્યસ્ત રહેતા ચાર રસ્તાઓ પૈકી એક નટુભાઇ સર્કલ પાસે ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. શ્રીજી કૃપા નામની ખાનગી લક્ઝરી બસ નટુભાઈ સર્કલ પાસેથી પસાર થઈ રહી હતી તે સમયગાળા દરમિયાન અચાનક તે સર્કલ પાસે રાખેલા ટ્રાફિક સિગ્નલ સાથે ધડાકાભેર ભટકાઈ હતી. ખાનગી લક્ઝરી બસ એટલી જોરથી અથડાઇ કે અહીં મુકેલો ટ્રાફિક સિગ્નલનો થાંભલો ધડાકાભેર તૂટીને પડયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે કયા કારણોસર અકસ્માત થયો તે કારણ પણ જાણી શકાયું નથી. આ ઘટના સમયે મોટા ધડાકાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. લક્ઝરી બસ ટ્રાફિક સિગ્નલના ભારદાર થાંભલાને તોડીને તેના પર ચઢી ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જોકે ખાનગી લકઝરી બસના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું હતું. આ ઘટનામાં વહેલી સવાર હોવાથી મોટું જાનમાલનું નુકસાન ટળ્યું હતું. પરંતું ટ્રાફિક સિગ્નલના પોલને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતને પગલે સ્થાનિક પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી.


ઉલ્લેખનીય છે કે, આ નટુભાઈ સર્કલની એક તરફ ફ્રૂટ્સની લારીઓવાળા ઉભા રહે છે. તો બીજી તરફ બેકરી, પેટ્રોલ પંપ અને મોટું કોમર્શિયલ કોમ્પલેક્સ આવેલું છે. આ ઘટના જો બપોરના સમયે બની હોત તો સ્થિતિ કંઈક અલગ જ હોત. 


આ અંગે અકોટા પીઆઈ વાય.જી. મકવાણાએ જણાવ્યુ હતું કે, આ અકસ્માત સર્જનાર ખાનગી લક્ઝરી બસ છે, આ બસ રેસકોર્સથી હરિનગર તરફ જઈ રહી હતી. આ દરમિયાન આ ઘટના બની હતી. બસનો ચાલક સામે બે ફોરવ્હિલ જોતા તેઓને બચાવવા માટે પોલ પર ચડાવી છે. આ બસની અંદર કોઈ પેસેન્જર ન હતા અને આ ઘટનામાં મોટી કોઈ જાનહાનિ થઈ નથી. બસનો ચાલક સ્પીડમાં હતો કે કેમ તે માટે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા બાદ ખબર પડશે.

Share :

Leave a Comments