- રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાયો, વડોદરા રેલ્વે સ્ટેશનથી રથયાત્રા પ્રારંભ થશે
વડોદરા શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની ભવ્યાતિભવ્ય રથયાત્રાનું આયોજન ઇસ્કોન મંદિર દ્વારા કરી દેવામાં આવ્યું છે. આ રથયાત્રામાં શીરાનો પ્રસાદ આપવામાં આવે છે. નાથની કૃપાથી અત્યાર સુધી એકસરખો પ્રસાદ બનતો આવ્યો છે. આ વખતે 35 ટન (35000 કિલો) શીરાનો પ્રસાદ બનાવવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે, તેમ શીરાનો પ્રસાદ બનાવનાર ગોપાલભાઇ શાહે જણાવ્યું હતું
તા. 7 જુલાઇના રોજ નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગેની માહિતી આપતા ગોત્રી ઇસ્કોન મંદિરના ઉપપ્રમુખ નિત્યાનંદ રામદાસે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથ, ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી ભવ્ય રથમાં આરુઢ થઇ નગરચર્યાએ નીકળશે. જેને લઇને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વડોદરામાં આયોજિત રથયાત્રાને પાલિકા દ્વારા લગાડવામાં આવેલી સ્ક્રિન પર જોઇ શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ ભક્તોને 35 હજાર કિલો શુદ્ધ ઘીના બનેલા શીરાનો પ્રસાદ વહેંચવામાં આવશે. સોનેરી ઝાડૂથી માર્ગ સાફ કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દર વર્ષે ઇસ્કોન મંદિર દ્વારા વિશ્વમાં 1 હજારથી વધુ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. રથયાત્રા બપોરે 2.30 કલાકે વડોદરા રેલવે સ્ટેશનથી નીકળશે, વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિન્કીબેન સોની સોનેરી ઝાડૂથી ભગવાનનો માર્ગ સાફ કરશે અને તે બાદ રથયાત્રા પ્રસ્થાન કરશે. રથયાત્રા સયાજીગંજ, કાલાઘોડા, સલાટવાડા, કોઠી કચેરી, રાવપુરા, જ્યુબીલીબાગ, પદ્માવતી શોપીંગ સેન્ટર, સુરસાગર, દાંડિયા બજાર, લાલ કોર્ટ, મદન ઝાંપા રોડ, કેવડાબાગ થઇને પોલો ગ્રાઉન્ડ સાંજે 7 કલાકે સંપન્ન થશે. તમામને રથયાત્રામાં સામેલ થવા આમંત્રણ છે. રથયાત્રામાં છોડનું વિતરણ કરવામાં આવશે.
શહેરના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે જણાવ્યુ હતું કે, 43મી રથયાત્રા અષાઢી બીજના રોજ નીકળનાર છે. રવિવારનો દિવસ હોવાથી ભક્તો વધારે જોડાય એવી આશા છે. તેની તૈયારીના ભાગરૂપે છેલ્લા કેટલાય દિવસોથી અલગ અલગ સંસ્થાઓના માધ્યથી મીટિંગો થઇ રહી છે. પાલિકા તરફથી રથ જે રૂટ પર જવાનો છે, ત્યાં કોઇ પણ જાતના રસ્તા ઉપરના ડ્રેનેજ, વરસાદી ગટર સહિતના નાના-મોટા પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવ્યા છે. રસ્તામાં આવતા વાયરો, વર્ષ દરમિયાન ઉગેલા ઝાડ, રથને જવા માટેની યોગ્ય જગ્યા કરવાની કામગીરીને લઇને પાલિકાનું તંત્ર કામે લાગ્યું છે. પોલીસ સાથે પણ મીટિંગ થઇ ગઇ છે. સારી રીતે દર્શન કરી શકાય તે દિશામાં ચર્ચા થઇ છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત રાખવામાં આવશે. દર વર્ષની જેમ રથ પાછળ પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. તેના પછી તરત જ પાલિકા તથા અન્ય સંસ્થા દ્વારા સફાઇ ઝુંબેશ ચાલશે. રથ પસાર થઇ ગયા પછી રૂટ ચોખ્ખો થઇ જાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. રથની આગળ ભજન મંડળી, કિર્તન કરતા ભક્તો હશે. પાલિકા દ્વારા આ વખતે નવા સ્ક્રીનમાં લાઇવ પ્રસારણ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેનો પણ ભક્તોને લાભ મળી શકે છે. તમાનને અપીલ કે, દર્શન કરવા માટે આવનાર ભક્તો કોઇ પણ પ્રકારની ઉતાવળ કે ધક્કા-મુક્કી ન કરે. રથ ઉંચાઇ પર હોવાથી તમામને દર્શનનો લાભ મળશે.
મીઠાઇ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા ગોપાલભાઇ શાહે વધુમાં જણાવ્યું હતું કે, હું છેલ્લા 43 વર્ષથી જગન્નાથની યાત્રા માટે શીરાનો પ્રસાદ બનાવું છું. શરૂઆતમાં 11 કિલોનો પ્રસાદ બનાવવામાં આવતો હતો. ત્યારબાદ તેમાં સતત વધારો થઇ રહ્યો છે. આ વખતે 35 ટન શીરાનો પ્રસાદ બનાવવામાં આવનાર છે. 35000 કિલો શીરાનો પ્રસાદ બનાવવા માટે 300 કિલો કાજુ, 100 કિલો ઇલાયચી, 150 ડબ્બા ચોખ્ખું ઘી તેમજ સપ્રમાણે રવો અને ખાંડનો ઉપયોગ કરવામાં આવશે. ભવ્ય રથમાં આરુઢ થઇ નગરચર્યાએ નીકળનાર જગન્નાથના દર્શન કરવા માટે ઉમટી પડનાર શ્રધ્ધાળુઓ પેટ ભરી પ્રસાદનો લ્હાવો લઇ શકશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.