ઓરિસ્સાના નંદીઘોષ રથની પ્રતિકૃતિ સમાન વડોદરામાં બનાવેલા રોબો રથમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા

પહેલીવાર સોલાર પેનલ લગાવાઈ, દોરડાથી નહીં રિમોટથી રથ ચાલે છે

MailVadodara.com - Lord-Jagannath-went-to-Nagarcharya-in-a-Robo-Rath-made-in-Vadodara-a-replica-of-the-Nandighosh-Rath-of-Orissa

- 5 ફૂટ ઊંચા બનાવેલા લાકડાંના રોબો રથમાં શ્વેત રંગના ચાર ઘોડા અને 6 પૈડા લગાવાયા છે


આજે અષાઢી બીજના રોજ જગન્નાથ રથયાત્રાના દિવસે 2014થી સાયન્સ અને સંસ્કૃતિનો સમન્વય કરીને રોબો રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ ઓરિસ્સાની રથયાત્રામાં ભગવાન જગન્નાથની સેવામાં લેવાતા નંદીઘોષ રથની પ્રતિકૃતિ સમાન લાકડાંનો 5 ફૂટ ઊંચાઈનો રથ તૈયાર કરવામાં આવ્યો છે. આ રથ પર આવેલા શ્વેત રંગના ચાર ઘોડાઓને તથા 6 પૈડાઓને રોબોટ સાથે જોડી દઈ રોબો રથ તૈયાર કરવામાં આવ્યો છે. આ રથ રસ્સી દ્વારા નહીં પરંતુ ભક્તોના મોબાઈલ ફોનના બ્લૂટૂથ સાથે કનેક્ટ કરીને રિમોટથી ચલાવવામાં આવે છે.


રથના શિખર ભાગ પર સુદર્શન ચક્ર સ્થાપિત કરવામાં આવ્યું છે તથા તાડ વૃક્ષના ચિન્હો અને વિવિધ પુષ્પોથી રથને સુશોભિત કરવામાં આવ્યો છે. રથયાત્રા પૂર્વે તથા રથયાત્રા દરમિયાન યુવાનો દ્વારા તમામ શાસ્ત્રોક્ત વિધિઓ શ્રદ્ધાપૂર્વક પૂરી કરવામાં આવે છે. રોબોટ બનાવનાર નિરજ મહેતા તથા રવિન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, આ સ્માર્ટ રોબોરથમાં 12 વોલ્ટની બેટરી અને 100 આર.પી.એમ.ની મોટરવાળા 6 પૈંડા લગાડવામાં આવ્યા છે. જેના કારણે એક કલાકમાં 10 કિમીની ઝડપે આ રથ ચાલે છે.


છેલ્લા 3 વર્ષથી રોબો રથયાત્રાનો માર્ગ બદલવામાં આવ્યો છે, તે મુજબ આ વર્ષે પણ નિઝામપુરા ખાતે આવેલી એલ.જી. નગર સોસાયટીથી ન્યુ એરા સ્કૂલ ચાર રસ્તા સુધીના માર્ગ પર આ અનોખી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતો. જેમાં દરેક ધર્મના લોકો પ્રેમપૂર્વક જોડાય છે. તેની સાથે મહાપ્રસાદમાં શીરો, જાંબુ, મગ વગેરેનું ભાવિક ભક્તોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. દર વખતે રથને ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવે છે, ત્યારે આ વખતે પહેલીવાર રોબો રથ પર સોલાર પેનલ લગાવવામાં આવી છે અને સૌર ઊર્જા બાબતે અવેરનેસ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.


Share :

Leave a Comments